બનાસકાંઠાઃ જિલ્લામાં દિવસેને દિવસે કોરોનાનો કહેર વધી રહ્યો છે. બનાસકાંઠા જિલ્લામાં એક મહિના અગાઉ રોજના 20થી 25 પોઝિટિવ કેસો નોંધાતા હતા. જે હવે વધીને ડબલ થઇ ગયા છે. જિલ્લામાં રોજના 50થી વધુ કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાઇ રહ્યા છે. હાલ બનાસકાંઠા જિલ્લામાં કોરોના પોઝિટિવની સંખ્યા 2,000, જ્યારે ડીસામાં 600 સુધી પહોંચી છે. આ ઉપરાંત કોરોનાથી થયેલા મોતનો આંકડો પણ બનાસકાંઠા જિલ્લામાં 57 તેમજ ડીસા 27 સુધી પહોંચતા આરોગ્ય વિભાગ પણ ચિંતામાં મુકાયું છે.
સરકાર દ્વારા રેપિડ એન્ટીજન ટેસ્ટ શરૂ કરતાની સાથે જ જિલ્લામાં વધુને વધુ દર્દીઓ ડિટેકટ થવા લાગ્યા છે. જેમાં ડીસા નગરપાલિકાના ચીફ ઓફિસર ઉપેન્દ્ર ગઢવીનો 14 સપ્ટેમ્બરના રોજ રેપિડ ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જેમાં નગરપાલિકાના ચીફ ઓફિસર ઉપેન્દ્ર ગઢવી કોરોના પોઝિટિવ આવ્યા હતા. આ ઉપરાંત 2 દિવસ અગાઉ ડીસાના મામલતદાર ડી.વી વણકરનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો.