- 16મી જાન્યુઆરીથી શરૂ થશે વેક્સિનેશનની પ્રક્રિયા
- આરોગ્ય કર્મચારીઓ, તબીબો સહિત 900 ફ્રન્ટલાઈન વોરીયર્સને અપાશે વેક્સિન
- જિલ્લાનાં વિવિધ 11 કેન્દ્રો પર આપવામાં આવશે વેક્સિન
બનાસકાંઠા: રસીકરણ પૂર્વે કોરોના વેક્સિનના 18590 ડૉઝનું આગમન - બનાસકાંઠા કોરોના વેક્સિન
આગામી 16મી જાન્યુઆરીથી રસીકરણની પ્રક્રિયા શરૂ થશે. ત્યારે, ગાંધીનગરથી કોરોના વેક્સિનનાં 18,590 ડોઝ બનાસકાંઠા આવી પહોંચ્યા હતાં. જેને જિલ્લા પંચાયતમાં વેક્સિનની સાચવણી માટે ખાસ તૈયાર કરાયેલા કોવિડ-19 વેક્સિન રૂમમાં રાખવામાં આવ્યા છે.
બનાસકાંઠા: જિલ્લાનાં 900 ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સને આગામી 16 તારીખે કોરોનાની વેક્સિન આપવામાં આવનાર છે ત્યારે, ગાંધીનગરથી કોરોના વેક્સિનનાં 18,590 ડોઝનું બનાસકાંઠાના મુખ્યમથક પાલનપુર ખાતે આગમન થયું હતું. જિલ્લાના સાંસદ તેમજ જિલ્લા પંચાયત પ્રમુખે વિધિવત પૂજા કરી શ્રીફળ વધેરીને લીલી ઝંડી ફરકાવીને વેક્સિનનું સ્વાગત કર્યું હતું.
જિલ્લા પંચાયતના મુખ્ય દરવાજા બહાર જ વેક્સિન વાનની પૂજાવિધિ કરાઈ
સમગ્ર દેશની જેમ બનાસકાંઠા જિલ્લામાં કોરોના વેક્સિનની ઘણા લાંબા સમયથી આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી હતી. ત્યારે ગત મોડી સાંજે 7.30 કલાકે સિરમ ઇન્સ્ટિટયૂટ ઓફ ઇન્ડિયા દ્વારા તૈયાર કરાયેલી કોરોનાની વેક્સિન ગાંધીનગરથી બનાસકાંઠા જિલ્લા પંચાયત આવી પહોંચી હતી. જિલ્લા પંચાયતના મહિલા પ્રમુખ પારધી વારકીબેન તેમજ બનાસકાંઠા સાંસદે વિધિવત રીતે વેક્સિનનું સ્વાગત કર્યું હતું. જિલ્લા પંચાયતના મુખ્ય દરવાજા પાસે જ વેક્સિન વાનને પૂજાવિધિ, આરતી તેમજ ચાંદલો તેમજ શ્રીફળ વધેરીને લીલીઝંડી બતાવી સન્માનપૂર્વક આવકારી હતી.