ગુજરાત

gujarat

વડગામ ખાતે આરોગ્ય વિભાગની આશા વર્કર પર હુમલો, 16 લોકો સામે ફરિયાદ નોંધાઈ

By

Published : May 1, 2020, 10:07 AM IST

બનાસકાંઠાના ઈસ્લામપુરા ગામમાં ટોળે વળીને ઉભેલા લોકોને સમજાવવા જતા આશા વર્કર સહિત તેમના પરિવાર પર જીવલેણ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. આ મામલે પોલીસે 16 લોકો સામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Attack on Asha Worker
આશાવર્કર પર હુમલો

બનાસકાંઠા: કોરોના વાઈરસ સામે સમગ્ર દેશ અને દુનિયામાં મહાજંગ ચાલી રહ્યો છે. કોરોના વાઈરસના સંક્રમણથી લોકોને બચાવવા માટે યુદ્ધના ધોરણે પ્રયાસો ચાલી રહ્યા છે.

ખાસ કરીને આરોગ્ય વિભાગના કર્મચારીઓ તો પોતાના જીવના જોખમે પણ લોકોને આ કોરોના વાઈરસથી બચાવવા માટે દિવસ રાત ફરજ બજાવી રહ્યા છે. તેમ છતાં પણ કેટલાક લોકો તેમની આ સેવાને બિરદાવવાને બદલે કોરોના વોરિયર્સ પર જ હુમલા કરતા હોવાની ઘટનાઓ સામે આવી રહી છે.

આરોગ્ય વિભાગની આશાવર્કર પર હુમલો

શુક્રવારે બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના ઈસ્લામપુરા ગામમાં આશા વર્કર પર ગામના જ લોકોએ ધારિયા અને પાઇપ વડે હુમલો કરતા 3 લોકોને ગંભીર ઈજા પહોંચી છે. જેમાં ઈસ્લામપુરા ગામમાંથી પસાર થતી આશા વર્કર સુભરાબેન ચૌધરીએ ડેરી આગળ લોકોનું ટોળું જતા તેમને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. સોશિયલ ડિસ્ટન્સ રાખી લોકોને ઊભા રહેવા માટેની સૂચના આપી હતી. જો કે, તેમ છતાં પણ લોકોએ તેમની વાત ન માનતા આશા વર્કરે મોબાઈલ કાઢી ફોટો પાડવા જતા, આ ટોળાએ તેમની પાસેથી મોબાઈલ ઝૂંટવી લઈ હુમલો કર્યો હતો.

આરોગ્ય વિભાગની આશાવર્કર પર હુમલો

આ બનાવની જાણ થતાં જ આશાવર્કરના પતિ, દિયર સહિત તેમનો પરિવાર ઘટના સ્થળે દોડી આવી ટોળાને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. ટોળાએ આશા વર્કર સહિત તેના પતિ અને પરિવાર પર ધારિયા અને પાઈપ વડે હુમલો કરતાં 3 લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ બનાવના પગલે પોલીસ અધિકારીઓ પણ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા, અને ઈજાગ્રસ્ત ત્રણ લોકોને સારવાર અર્થે વડગામ રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડી 16 લોકો સામે વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

ઉલ્લેખનીય છે કે, જીવના જોખમે ફરજ બજાવતા અન્ય આરોગ્ય કર્મચારીઓ પર હુમલો ન થાય, તે માટે આવા અસામાજીક તત્ત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ આશા વર્કરે કરી હતી.

ABOUT THE AUTHOR

...view details