પાલનપુરયાત્રાધામ અંબાજીમાં યોજાતા ભાદરવી પૂનમના મહામેળાને આડે હવે ગણતરીના કલાકો બાકી છે. ત્યારે માઇભક્તોમાં અંબાજી પગપાળા ચાલીને જવાનો અનેરો થનગનાટ છે. બે વર્ષના વિરામ બાદ આ વર્ષે 5 મી સપ્ટેમ્બરથી 10 મી સપ્ટેમ્બર સુધી (Bhadarvi Poonam 2022 Date ) યોજાનાર આ મહામેળામાં હૈયાથી હૈયુ દળાય એવો માનવ મહેરામણ ઉમટશે. કોરોનાની મહામારીને લીધે બે વર્ષથી મેળો યોજાઈ શક્યો નહોતો ત્યારે ચાલુ સાલે મેળાનું આયોજન થવાથી દુનિયાભરમાંથી માઈભક્તોનું ઘોડાપૂર મેળામાં ( Bhadarvi Purnima 2022 )ઉમટી પડવાની સંભાવના છે. શ્રદ્ધા વિશ્વાસ અને ભક્તિના ત્રિવેણી સંગમ સમા આ શક્તિપીઠમાં માતાજીનું હૃદય બિરાજમાન હોવાની પુરાણોમાં માન્યતાને લીધે જ શ્રધ્ધાળુઓમાં અંબાજી શક્તિપીઠનું વિશેષ (Ambaji Shaktipith Story ) મહત્વ છે. ચાલો આજે જાણીએ શક્તિપીઠ અંબાજીનો (Glory of Shaktipith Ambaji ) મહિમા.
મા અંબેના પ્રાગટ્યની મૂળ કથાપુરાણ ઉપર આધારીત એક કથા મુજબ પ્રજાપિતા દક્ષે બૃહસ્પતિ સક નામના મહાયજ્ઞનું આયોજન કર્યુ હતું. જેમાં દક્ષે બધા દેવોને નિમંત્રણ આપ્યુ હતું. પરંતુ પોતાના જમાઇ શંકર ભગવાનને બોલાવ્યા ન હતાં. પિતાને ત્યાં યજ્ઞ છે તેવા સમાચાર સાંભળીને ભગવાન શંકરની સમંતિ ન હોવા છતાં દેવી સતિ પિતાના ઘેર પહોંચી ગયાં. ત્યાં યોજાયેલા યજ્ઞમાં ભગવાન શિવને આમંત્રણ ન જોતાં અને પિતા દક્ષના મોઢે પતિની નિંદા સાંભળતા દેવી સતિએ યજ્ઞ કુંડમાં પડી પોતાનો પ્રાણ ત્યજી દીધો.
ભગવાન શિવજીએ દેવીસતીના નિશ્વેતન દેહને જોઇને તાંડવ આદર્યુ અને દેવી સતિના દેહને ખભે ઉપાડી ત્રણેય લોકમાં ઘુમવા માંડ્યાં. ત્યારે આખીયે સૃષ્ટિનો ધ્વંસ થઇ જશે તેવા ડરથી ભગવાન વિષ્ણુએ પોતાનું ચક્ર છોડીને દેવી સતિના શરીરના ટુકડા કર્યા. જે પૃથ્વી પર જુદી જુદી જગ્યાએ જ્યાં જ્યાં પડ્યા ત્યાં ત્યાં શક્તિપીઠોનું નિર્માણ થયું. આવા 51 શક્તિપીઠોમાં અંબાજી શક્તિપીઠનું અનોખું અને અલગ મહાત્મ્ય હોવાથી માઇભક્તોમાં માં અંબેનું ધામ અંબાજી પ્રત્યે વિશેષ શ્રદ્ધા આસ્થા રહેલી છે.
દેવી ભાગવતની દંતકથા અનુસાર પૌરાણિક સમયમાં મહિષાસુર નામે સમગ્ર બ્રહ્માંડ માટે ખતરનાક રાક્ષસ હતો. તેથી ત્રિદેવ બ્રહ્મા-વિષ્ણુ-મહેશના નેતૃત્વમાં તમામ દેવતાઓ આખરે બ્રહ્માંડની સર્વોચ્ચ શક્તિ મહાદેવી આદ્યશક્તિના અંતિમ આશ્રયે ગયાં. જ્યાં બચાવ અને મદદ માટે તેમની પૂજા કરી. જેથી આદ્ય દેવીશક્તિ સૂર્યના કિરણોના તેજસ્વી વર્તુળથી ઘેરાયેલા શસ્ત્રો સાથે પૃથ્વી પર અવતર્યા અને દેવીએ તેમની પવિત્ર તલવારથી મહિષાસુર રાક્ષસને મારી નાખ્યો અને ત્યારથી તેઓ વિશ્વમાં મહિસાસુર મર્દિની તરીકે પ્રખ્યાત થઇ ગયાં.
રામાયણમાં કહેલી દંતકથા અનુસાર ભગવાન શ્રીરામ અને લક્ષ્મણ સીતાજીની શોધમાં શ્રૃંગી રૂષિના આશ્રમમાં આવ્યાં. જ્યાં તેમને ગબ્બર ઉપર દેવી અંબાજીની પૂજા કરવાનું કહેવામાં આવ્યું. ભગવાન શ્રીરામે તે મુજબ કર્યું અને જગત માતા શક્તિદેવી અંબાજીએ તેમને અજયબાણ નામનું ચમત્કારિક તીર આપ્યું. જેની મદદથી ભગવાન શ્રીરામે યુદ્ધમાં તેમના દુશ્મન રાવણ પર વિજય મેળવ્યો અને તેને મારી નાખ્યો.
આ પણ વાંચો Ambaji Temple Patotsav: 51 શક્તિપીઠ મંદિરના શિખરે ધ્વજારોહણ કરી પાટોત્સવની કરી સાદગીપૂર્ણ ઉજવણી