બનાસકાંઠાઃ ડીસાની એક ખાનગી શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા સોનુ રામરતન સોનીએ ગજબનું મશીન બનાવ્યુ છે. કોરોના વાઇરસને લઈ છેલ્લા ત્રણ મહિનાથી શાળાઓ બંધ હોવાના લીધે સોનું પોતાના ઘરે જ રહે છે. તેના આ નવરાસના સમયનો ઉપયોગ કરી આ મશીન બનાવ્યુ છે. આ મશીન લોકોને સોશિયલ ડિસ્ટન્સ જાળવવા માટે ખૂબ જ મદદરૂપ થઈ શકે છે.
ડીસાના યુવાને બનાવ્યું સોશિયલ ડિસ્ટન્સ મશીન - MAINTAIN SOCIAL DISTANCE
કોરોના વાઇરસ અત્યારે ભારતમાં ખૂબ જ ખતરનાક હદે પહોંચી ગયો છે. વાઇરસ સામેની લડાઈમાં સરકાર દ્વારા બે વાતને મહત્વ આપવાની સલાહ આપવામાં આવી છે. જેમાં એક માસ્ક છે તો બીજી સોસિયલ ડિસ્ટન્સ. લોકો આસાનીથી સોશિયલ ડિસ્ટન્સ જાળવી શકે તે માટે ડીસાના એક શિક્ષકે તેનામાં રહેલી ક્રિએટિવિટીની મદદથી એક એવી મશીન બનાવી છે કે જે સોશિયલ ડિસ્ટન્સ જાળવી રાખવા માટે મહત્વનું કામ કરે છે.
સોનુએ ટેક્નોલોજીની અને કોમ્પ્યુટર પ્રોગ્રામની મદદથી બનાવેલુ આ મશીન ગળામાં પહેર્યા બાદ તમારી એક મીટરના અંતરમાં કોઈ ઓબ્જેકટ આવે તો તમને તરત જ એલર્ટ કરે છે. આ મશીનનું નામ કોવિડ-19 સુરક્ષા કવચ આપ્યું છે.
જેમાં બે અલગ અલગ સેંસર્સ લગાવવામાં આવ્યા છે. આ સેંસર્સ સામાજિક અંતર બનાવી રાખવા માટે જે તે વ્યક્તિને માહિતી આપે છે. સોનુંનું માનવું છે કે કોરોના એક એવો વાઇરસ છે કે જેની સામે લડવું હવે લગભગ અશક્ય થઈ ગયું છે. ચાર-ચાર લોકડાઉન બાદ પણ કોરોનાનું સંક્રમણ ખૂબ જ ઝડપથી વધી રહ્યું છે ત્યારે હવે કોરોના સામેની લડાઈ લડવાના બદલે કોરોના સામે રક્ષણ મેળવવું જરૂરી બની ગયું છે. હવે લોકોએ કોરોના સાથે જીવતા શીખવું પડશે અને પોતાની જાતે જ સુરક્ષિત રહેવા માટે સરકારની ગાઈડલાઇનનું પાલન કરવું પડશે..