- રાજસ્થાન અને ગુજરાતમાં ડુપ્લીકેટ ચીજવસ્તુઓનું મોટું રેકટ
- બનાસકાંઠાના નેનાવા બોર્ડર પરથી લાખો રૂપિયાનું તેલ ઝડપાયું
- પોલીસે ગાડી અને ડુપ્લીકેટ તેલનો જથ્થો જપ્ત કર્યો
- ડુપ્લીકેટિંગ કરતા લોકો સામે કડક કાર્યવાહી કરવા માંગ
- રાજસ્થાન અને ગુજરાતમાં ડુપ્લીકેટ ચીજવસ્તુઓનું મોટું રેકટ
બનાસકાંઠા : જિલ્લો રાજસ્થાનને અડીને આવેલો જિલ્લો છે. જેના કારણે દર વર્ષે મોટી સંખ્યામાં ડુપ્લીકેટ વસ્તુઓની હેરાફેરી થતી હોય છે. આમ તો બનાસકાંઠા જિલ્લામાંથી દર વર્ષે પોલીસ દ્વારા ડુપ્લીકેટ વસ્તુ ઝડપવામાં આવે છે. ખાસ કરીને ડીસા શહેરમાં સૌથી વધુ તેલ અને ઘી નું ડુપ્લીકેટ કરી રાજસ્થાનમાં વેચવામાં આવે છે. અવારનવાર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા ડીસામાં રેડ કરતા મોટા પ્રમાણમાં ડુપ્લીકેટ તેલનો જથ્થો ઝડપાય છે. ડીસામાં બનતું ડુપ્લીકેટ ઘી અને તેલ દર વર્ષે મોટી સંખ્યામાં રાજસ્થાનમાં પહોંચાડી વેચવામાં આવે છે. નજીવા રૂપિયા કમાવાની લ્હાયમાં વેપારીઓ ગ્રાહકો સાથે ડુપ્લીકેટ ઘી અને તેલ વેચી મોટી કમાણી કરતા હોય છે. ત્યારે ગુજરાતમાંથી રાજસ્થાનમાં રોજેરોજ મોટા પ્રમાણમાં ડુપ્લીકેટ વસ્તુઓ પહોંચાડવાનું નેટવર્ક ચાલી રહ્યું છે. ત્યારે આ બાબતે તમામ ચેકપોસ્ટ પર રોજેરોજ પોલીસ દ્વારા યોગ્ય ચેકિંગ કરવામાં આવે તો મોટા પ્રમાણમાં ડુપ્લીકેટ જથ્થો મળી શકે તેમ છે.
બનાસકાંઠાના નેનાવા ગામ પાસેથી શંકાસ્પદ તેલનો જથ્થો ઝડપાયો નેનાવા બોર્ડર પરથી લાખો રૂપિયાનું તેલ ઝડપાયું
ગુજરાત રાજસ્થાન બોર્ડર પર આવેલ ધાનેરા તાલુકાના નેનાવા ગામ પાસેથી શંકાસ્પદ તેલનો જથ્થો પોલીસે ઝડપી પાડ્યો છે. ધાનેરા પોલીસ વાહન ચેકીંગમા હતી. તે સમયે રાજસ્થાન તરફથી આવી રહેલી એક ઇકો કાર શંકાસ્પદ જણાતા પોલીસે ઊભી રખાવી તલાશી લીધી હતી, ગાડીની તલાશી લેતાં તેમાંથી શંકાસ્પદ તેલના ડબ્બા મળી આવ્યા હતા. જેથી પોલીસે 23 તેલના ડબ્બા અને કાર સહિત કુલ 2.23 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. તેમજ બનાસકાંઠા જિલ્લા ફુડ વિભાગને પણ આ અંગેની જાણ કરી શંકાસ્પદ તેલના સેમ્પલ લેવા માટે જાણ કરી છે. જ્યારે ધાનેરા પોલીસે ગાડી ચાલક સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ડુપ્લિકેટિંગ કરતા લોકો સામે કડક કાર્યવાહી કરવા માંગ
ઉલ્લેખનીય છે કે, બનાસકાંઠાનું ડીસા શહેરે ડુપ્લીકેટ ઘી અને તેલ બનાવવા માટે પંકાયેલું છે. અહીંથી અનેકવાર નકલી ઘી અને તેલનો જથ્થો પણ ઝડપાયો છે. ત્યારે ફરી એકવાર ગુજરાત રાજસ્થાનમાં અખાદ્ય ચીજ વસ્તુઓની હેરાફેરીને ઝડપી પાડી ધાનેરા પોલીસે લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા તત્વો સામે કડક કાર્યવાહી હાથ ધરી છે. ડીસામાંથી વારંવાર રાજસ્થાનમાં ડુપ્લીકેટ વસ્તુઓની હેરાફેરી કરવામાં આવે છે અને જે વસ્તુઓ વેપારીઓ ગ્રાહકોને વેચી તેમની સાથે છેતરપિંડી કરે છે. ત્યારે આવા લોકો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે તો જ આવનારા સમયમાં વારંવાર ઝડપતી ડુપ્લીકેટ વસ્તુ બંધ થઈ શકે તેમ છે.