- બનાસકાંઠા જિલ્લામાં વધતા જતા કોરોના કેસને લઈ જિલ્લા કક્ષાએ બેઠક યોજાઈ
- સરકાર દ્વારા સુચવેલી માર્ગદર્શિકા અને જાહેરનામાઓનો ચુસ્તપણે પાલન કરવા સૂચના
- બેઠકમાં જિલ્લાના તમામ અધિકારીઓ રહ્યા હાજર
બનાસકાંઠા: જિલ્લામાં પણ કોરોના સંક્રમણને અટકાવવા માટે કલેકટરના અધ્યક્ષસ્થાને વિવિધ સમિતિઓની બેઠક યોજાઇ હતી. કોવિડ-૧૯ની કોઇપણ સ્થિતિને પહોંચી વળવા જિલ્લા વહીવટી તંત્રને એલર્ટ રહેવા કલેકટરે અધિકારીઓને જરૂરી માર્ગદર્શન અને સુચનાઓ આપી હતી.
જિલ્લામાં વધતા જતા કોરોના કેસને લઈ જિલ્લા કક્ષાએ બેઠક યોજાઈ
બનાસકાંઠા જિલ્લામાં પણ કોરોનાને અટકાવવા માટે આજે જિલ્લા કલેક્ટર આનંદ પટેલની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ હતી. આગામી સમયમાં વિવિધ સામાજિક, ધાર્મિક પ્રસંગોના આયોજનની શકયતાઓ જોતાં કોવીડ-૧૯ની ગાઇડલાઇનનું ચુસ્તપણે પાલન કરાવવું અનિવાર્ય છે. જે ધ્યાને લઇ ગ્રામ્ય વિસ્તારોમાં આવા કોઇપણ જાહેર મેળાવડા, સામાજિક પ્રસંગો યોજાનાર હોય જયાં મોટી સંખ્યામાં લોકો ભેગા થવાની શક્યતા હોય તેવી જગ્યાએ ફરજિયાતપણે સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાય રહે તેવા અધિકારીઓને આદેશ આપ્યા હતો.
કોવિડ-19 ની SOP મુજબની કાર્યવાહી
જિલ્લાના કોઇપણ વિસ્તારમાં કોરોનાની ગાઇડલાઇનનો ભંગ થતો હોય તેવી કોઇપણ બાબત ધ્યાનમાં આવે તો સંબંધિત વિસ્તારના જવાબદાર પોલીસ અધિકારી, આરોગ્ય અધિકારીએ તાત્કાલીક અસરથી કોવિડ-૧૯ની SOP મુજબની કાર્યવાહી કરી અસરકારક પગલાં લેવા કલેકટરે જણાવ્યું હતું. આ બાબતે જરૂર જણાય તો ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ હેઠળ જરૂરી હુકમો કરવા અને આવા હુકમના ભંગના કિસ્સામાં રીપોર્ટીંગમાં બેદરકારીના કિસ્સામાં જવાબદારો વિરુધ્ધ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ હેઠળ જરૂરી પગલાં ભરવા સુધીની કાર્યવાહી કરવા આદેશ આપ્યો હતો.
બનાસકાંઠા જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ, કોરોના અટકાવવા સૂચનો અપાયા કોરોના સંક્રમણને અટકાવવા કલેકટરની સૂચના
કલેકટરે કોરોના સંક્રમણ અટકાવવા સઘન સર્વેલન્સ પર ભાર મુકતાં જણાવ્યું કે, જે વિસ્તારને કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. તેવા વિસ્તારો, શહેરો અને ગામડાઓમાં સઘન સર્વેલન્સ ચાલુ રાખી તે વિસ્તારમાં કોઇ શંકાસ્પદ દર્દી જણાય તો તાત્કાલીક તેને સારવાર મળે તેની ખાસ કાળજી રાખીએ. કલેકટરએ માસ્ક ન પહેરનારા અને જાહેરમાં થૂંકનાર સામે દંડ વસૂલવા સહિતના કડક પગલાં લેવા અધિકારીઓને સુચના આપી હતી. તેમણે તમામ પ્રાંત અધિકારીઓને આ અંગે બેઠક કરવા તથા માઇક્રોલેવલ અસરકારક કામગીરી કરવા જણાવ્યું હતું.
સરકાર દ્વારા સુચવેલ માર્ગદર્શિકા અને જાહેરનામાઓનો ચુસ્તપણે પાલન કરવા સૂચન
આ સમીક્ષા બેઠકમાં કલેકટર આનંદ પટેલે જણાવ્યું કે સઘન સર્વેલન્સ સાથે આયુર્વેદીક ઉકાળા વિતરણ, કલેકટર કચેરી ખાતે કાર્યરત કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ-વોર રૂમથી જિલ્લાની કોવિડ હોસ્પિટલો, કન્ટેઇનમેન્ટ ઝોન, સોશિયલ ડિસ્ટન્સીંગ સહિત પબ્લીક મુવમેન્ટ પર CCTVના માધ્યમથી વોચ રાખવી. કોવિડ પોઝીટીવ દર્દીઓ અને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવેલા દર્દીઓનું પણ નિયમિત ફોલોઅપ, પોઝીટીવ દર્દીઓનું રોજે રોજ મોનીટરીંગ અને તેમના સંપર્કમાં આવેલા લોકોનું કોન્ટેક્ટ ટ્રેસીંગ, હોમ આઇસોલેશનમાં રાખેલા દર્દીઓનું પણ નિયમિત મોનીટરીંગ સહિત માઇક્રો કન્ટેઇમેન્ટમાં સરકાર દ્વારા સુચવેલી માર્ગદર્શિકા અને જાહેરનામાઓનો ચુસ્તપણે પાલન કરવા જણાવ્યું હતું.
બેઠકમાં જિલ્લાના તમામ અધિકારીઓ રહ્યા હાજર
કોરોના વાયરસને અટકાવવા યોજાયેલી બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી અજય દહીંયા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. મનીષ ફેન્સી, એપેડેમીક મેડીકલ ઓફીસર ડૉ. એન. કે. ગર્ગ, આરોગ્યના અધિકારીઓ, પ્રાંત અધિકારીઓ સહિત સંબધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.