પાલનપુરઃ દાંતા તાલુકાના પ્રાથમિક શિક્ષક ઉમાભાઈ પરમારનું અકસ્માતમાં મૃત્યુ થતા પરિવારજનો પર દુઃખનો પહાડ તુટી પડયો હતો, ત્યારે આવી દુ:ખદ પરિસ્થિતિમાં જિલ્લા પ્રાથમિક શિક્ષક મંડળી દ્વારા સદાયની જેમ યોજના મુજબ ઉમાભાઈ પરમારના પરિવારજનોને રૂપિયા ત્રણ લાખની સહાય ચુકવીને શિક્ષકને સાચી શ્રધ્ધાંજલિ તથા પરિવારને હિંમત આપવાનું કાર્ય કર્યું છે.
બનાસકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષક મંડળી દ્વારા સ્વર્ગસ્થ શિક્ષકના પરિવારને સહાયનો ચેક અર્પણ કરવામાં આવ્યો
બનાસકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષક શરાફી મંડળી હંમેશા સકારાત્મક દિશામાં કાર્યો કરવા માટે જિલ્લામાં અવલ્લ રહી છે. મંડળીની યોજના દ્વારા સભાસદ શિક્ષકોનો ત્રણ લાખ રૂપિયાનું વીમા કવચ નિશુલ્ક આપવામાં આવે છે.
જિલ્લા વિકાસ અધિકારી અજય દહિયાના હસ્તે પરિવારજનોને ચેક અર્પણ કરવામાં આવ્યો. આ અંગે જિલ્લા પ્રાથમિક શિક્ષક મંડળી ના યુવાન અને ઉત્સાહી ચેરમેન સંજયભાઈ દવે જણાવ્યું કે, જિલ્લામાં સૌથી વધુ સભાસદો ધરાવતી આ મંડળી છે. સભાસદોના સુખ દુઃખમાં તેમની પડખે ઊભું રહેવું એ મંડળીનું કર્તવ્ય છે. તેઓ સદાય સભાસદોના હિતરક્ષક નિર્ણયો માટે મંડળીના ચેરમેન તરીકે આગળ જ હોય છે અને આવનાર ભવિષ્યમાં પણ મંડળી સભાસદોના માટે કાયમી એમના પડખે રહેશે.
આ પ્રસંગે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સંજય પરમાર, નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મુકેશભાઈ ચાવડા, વાઈસ ચેરમેન રમેશભાઈ પટેલ, પાલનપુર તાલુકા પ્રાથમિક શિક્ષક મંડળીના ચેરમેન શૈલેષભાઈ, અમીરગઢ તાલુકાના ડીરેકટર હરેશભાઈ જોષી હાજર રહ્યા હતા.