- બનાસકાંઠાના કાંકરેજમાં હુમલા બાદ લૂંટની ઘટના
- પોલીસે ગણતરીના કલાકોમાં લૂંટનો ભેદ ઉકેલ્યો
- લૂંટ કેસમાં પોલીસે 6 આરોપીની કરી ધરપકડ
- પોલીસે આ લૂંટમાં તમામ મુદ્દામાલ કર્યો કબજે
- પોલીસે અન્ય ગુનાનો ભેદ ઉકેલવા તપાસ શરૂ કરી
બનાસકાંઠાઃ થરા શહેરમાં બે દિવસ અગાઉ શાકભાજીના વેપારી પર હુમલો થયો હતો. 6 હુમલાખોરો વેપારીના રૂ. 8 લાખ લઈ ફરાર થઈ ગયા હતા. જોકે, પોલીસે ગણતરીના કલાકમાં જ લૂંટ કરનારા આ છ આરોપીઓને ઝડપી પાડ્યા છે.
હુમલાખોરો વેપારીની રૂ. 8 લાખ ભરેલી બેગ લઈ ફરાર
કાંકરેજના મુખ્ય મથક થરા ગોકુળનગર સોસાયટીમાં રહેતા અને શાકભાજીના વેપારી ચંપકલાલ ઠક્કર શનિવારે મોડી રાત્રે ઘરેથી 8 લાખ રૂપિયા લઈ નીકળ્યા હતા. તે દરમિયાન જ ઘર આંગણે 4 શખ્સો મોઢું ઢાંકીને આવ્યા હતા અને તેમની પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો. ત્યારબાદ વેપારીની રૂ. 8 લાખ ભરેલી બેગ પણ લઈ ગયા હતા. આ બાબતની જાણ થરા પોલીસને થતા થરા પીએસઆઈ એમ. બી. દેવડા પોતાના સ્ટાફ સાથે ઘટનાસ્થળે દોડી આવી તપાસ શરૂ કરી હતી.
પોલીસે અન્ય ગુનાનો ભેદ ઉકેલવા તપાસ શરૂ કરી બનાસકાંઠા એલસીપી પોલીસની મદદ લઈ પોલીસે ગુનાનો ભેદ ઉકેલ્યો
આ લૂંટ મામલે થરા પોલીસમથકમાં ગુનો દાખલ થતાં જિલ્લા પોલીસ અધિક્ષક અને દિયોદર નાયબ પોલીસ અધિક્ષક પી. એચ. ચૌધરીએ બનાસકાંઠા એલસીબી પોલીસની મદદ લીધી હતી. અને આ સમગ્ર લૂંટ મામલે તપાસ શરૂ કરી હતી. પોલીસે શંકાસ્પદ કરણ ચૌહાણની અટકાયત કરી સઘન પૂછપરછ કરતા સમગ્ર લૂંટનો પ્લાન બનાવ્યો હોવાની કબૂલાત કરી હતી. પોલીસે તપાસ દરમિયાન અને પૂછપરછ દરમિયાન કરણ ચૌહાણ વેપારીની દુકાનમાં નોકર તરીકે રહેતો હતો અને પોતાના દુકાન માલિક ક્યારે આવે છે અને ક્યાં જાય છે તે ધ્યાન રાખતો હતો, જેમાં લૂંટને અંજામ આપવા કરણ ચૌહાણે તેના મિત્ર ઈરફાન પઠાણની મદદ લીધી હતી અને અન્ય ચાર શખસોની મદદ લઈ સમગ્ર લૂંટને અંજામ આપ્યો હતો. પોલીસે આરોપી પાસે 7 લાખ અને 10 હજાર રૂપિયાની રિકવરી કરી છે. આ સાથે પોલીસે આરોપીએ ગુનામાં વાપરેલી ઈકો ગાડી અને મોટરસાઈકલ પણ કબજે લીધી છે.
પોલીસે અન્ય ગુનાનો ભેદ ઉકેલવા તપાસ શરૂ કરી
એક મહિના પહેલા સમગ્ર લૂંટનો પ્લાન બનાવ્યો હતો, જેમાં મુખ્ય સૂત્રધાર કરણ ચૌહાણે ષડયંત્ર રચી લૂંટ કરી હોવાનું જણાયું હતું. પોલીસે સમગ્ર લૂંટમાં હાલ તો મુદ્દામાલ રિકવર કર્યો છે. આ સમગ્ર લૂંટમાં 6 આરોપી ઝડપી પાડવામાં આવ્યા છે, જેમાં હાલ તો આ શખસોની સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે. આ આરોપીઓ અગાઉ અન્ય ગુનામાં સંડોવાયેલા હોવાનું પણ બહાર આવતા પોલીસે હાલ તો મીડિયા સામે આ આરોપીઓનો નકાબ ઉતાર્યો નથી. જોકે, તપાસ દરમિયાન જિલ્લાની સાથે અન્ય જિલ્લાના લૂંટનો ભેદ ઉકેલાય તેવું દેખાઈ રહ્યું છે.
પોલીસે આ લૂંટમાં તમામ મુદ્દામાલ કર્યો કબજે આરોપીઓના નામ નીચે મુજબ
- કરણ ચૌહાણ
- ઈરફાન પઠાણ
- મોહસીનખાન પઠાણ
- રાજેન્દ્રસિંહ વાઘેલા
- સુનિલસિંહ વાઘેલા
- સહદેવસિંહ વાઘેલા