બનાસકાંઠા: જિલ્લામાં કોરોના વાઇરસના કહેરથી હવે આરોગ્ય કર્મચારીઓ પણ બાકાત રહ્યા નથી. જિલ્લામાં અત્યાર સુધી કોરોનાના 850થી પણ વધુ પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં હવે કોરોના વોરિયર્સ પણ કોરોનાની ઝપેટમાં આવી રહ્યા છે.
ડીસામાં ખાનગી તબીબ સહિત 5 આરોગ્ય કર્મી કોરોના પોઝિટિવ બનાસકાંઠા જિલ્લાના ભણસાલી કોવિડ હોસ્પિટલમાં કામ કરતા 5 કોમ્યુનિટી હેલ્થ કર્મચારીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેથી અન્ય કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો છે. આ ઉપરાંત ડીસાના જાણીતા તબીબ ડૉક્ટર તપન ગાંધીનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે.
આ ખાનગી તબીબનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ, તેમણે હોસ્પિટલમાં પ્રેક્ટિસ ચાલુ રાખવા અંગેનું આરોગ્ય વિભાગના ધ્યાને આવતાં આરોગ્ય વિભાગે તેમની સામે કડક કાર્યવાહી હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે, આરોગ્ય વિભાગે અન્ય તબીબોને પણ સલાહ આપી છે કે, કોઈ પણ ડૉક્ટર અથવા હોસ્પિટલના સ્ટાફનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવવા પર તાત્કાલિક આરોગ્ય વિભાગને જાણ કરવી. આ ઉપરાંત તેમના સંપર્કમાં આવેલા લોકોએ સેલ્ફ ક્વોરેન્ટાઈન થવું જોઈએ.