- ડીસા-પાલનપુર નેશનલ હાઇવે પર 4 વાહનો વચ્ચે અકસ્માત
- 2 ટ્રક વચ્ચે રીક્ષા ફસાઈ જતા 3 લોકો જીવતા ભૂંજાયા, કુલ 4ના મોત
- ડીસા મામલતદાર, તાલુકા પોલીસ, એમ્બ્યુલન્સ, ફાયર ફાઇટરની ટીમે રાહત કામગીરી કરી
ડીસા: બનાસકાંઠા (Banaskantha)માં ડીસા-પાલનપુર હાઈવે (Deesa-Palanpur Highway) પર ભોયણ ગામના પાટિયા પાસે આજે સવારે 4 વાહનો વચ્ચે થયેલા વિચિત્ર અકસ્માત (Accident)માં 3 વાહનો સળગી જતાં 2 ટ્રક વચ્ચે ફસાયેલી રીક્ષા ભડથું થઈ ગઈ હતી. આ અકસ્માતમાં રીક્ષામાં બેઠેલા 3 મુસાફરો જીવતા ભૂંજાઈ ગયા હતા,જ્યારે એકનું સારવાર દરમિયાન મોત થતા કુલ 4 લોકોના મોત થયા હતા.
બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતની સંખ્યામાં વધારો
બનાસકાંઠા જિલ્લામાં માર્ગ અકસ્માતના બનાવમાં સતત ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. છેલ્લા એક અઠવાડિયામાં બનાસકાંઠા જિલ્લામાં અનેક રસ્તાઓ લોહિયાળ બન્યાં છે. અત્યાર સુધી સર્જાયેલા નાના-મોટા અકસ્માતોમાં અનેક માસૂમ જિંદગીઓ મોતને ભેટી છે. ખાસ કરીને નેશનલ હાઈવે પર વારંવાર મોટા હેવી વાહનોના ગભલત ભર્યા ડ્રાઇવિંગના કારણે મોટા અકસ્માતો સર્જાય છે, જેમાં અનેક લોકો ઈજાગ્રસ્ત થાય છે અને મોતને પણ ભેટે છે, ત્યારે વારંવાર સર્જાતા અકસ્માતને લઈ હવે લોકોમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
ડીસા પાલનપુર નેશનલ હાઈ-વે પર અકસ્માત
ડીસા પાલનપુર હાઈવે પર ભોયણ ગામના પાટિયા પાસે આજે સવારે વિચિત્ર અકસ્માત સર્જાયો હતો, જેમાં ભોયણ ગામના પાટિયા પાસે હાઈવે પર ડીવાઈડર વચ્ચે પડેલા કટમાં એક ટ્રક વળાંક લેવા જતા તેની સાઈડમાં રીક્ષા પણ ઊભી રહી ગઈ હતી. આ સમયે પાલનપુર તરફથી પથ્થર ભરીને આવતા ટ્રેલરે બન્ને વાહનોને અડફેટે લેતા 2 વાહનો વચ્ચે રિક્ષા ચગદાઈ જવા પામી હતી, જ્યારે ડીસાથી પાલનપુર તરફ જતી ઇકો વાન પણ ટ્રકને ધડાકાભેર અથડાઈ હતી. આમ 4 વાહનોનો અકસ્માત થયો હતો. આ અકસ્માત એટલો ભયંકર હતો કે વાહનો બળીને ખાખ થઇ ગયા હતા, જ્યારે ઇકો ગાડીને ટક્કર લાગતા તે સાઈડમાં ઉતરી ગઈ હતી.
ઘાયલોને ભણસાલી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા