- 200 જેટલા ખેડૂતો કેનાલ પર આવીને દર્શાવ્યો વિરોધ
- પાણી નથી મળતું તેવા ખેડૂતોના આક્ષેપો
- લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરી છતાં પરિણામ શૂન્ય
બનાસકાંઠા : જિલ્લાના સરહદી થરાદ તાલુકાના સાબા ગામના ખેડૂતોને ગડસીસર બ્રાન્ચમાંથી નીકળતી પીરગઢ ડિસ્ટ્રિબ્યુટર કેનાલમાંથી નીકળતી સાબા માઇનોર કેનાલમાં રવી સિઝન માટે પાણી ન મળતા ખેડૂતો રોષે ભરાયાં હતાં. જયારે 200 જેટલા ખેડૂતો કેનાલ પર આવીને સરકાર વિરોધ સૂત્રોચ્ચાર કર્યાં હતાં અને કેનાલમાં માટી નાખીને વિરોધ દર્શાવ્યો હતો. જો કે ખેડૂતો જણાવી રહ્યા હતા કે, 'અમે જવાબદાર તંત્રને લેખિત તેમજ મૌખિક કેટલીક વાર રજૂઆત કરવા છતાં અમારૂ કોઈ સાંભળતું નથી.'
થરાદના સાબા ગામના 200 જેટલા ખેડૂતોએ કેનાલ પર કર્યો અનોખો વિરોધ કેનાલો બની માથાનો દુ:ખાવો
બનાસકાંઠાના સરહદી વિસ્તારની કેનાલો ખેડૂતોના માથાનો દુઃખાવો બની ગઇ છે. સરહદી વિસ્તારના ગામડાઓમાં ક્યાંક કેનાલો તૂટે છે તો ક્યાંક પાણી મળતું નથી. ખેડૂતોને પારાવાર નુકસાન થઈ રહ્યું છે. જો કેનાલ તૂટે તો પણ નુકસાન અને જો પાણી નહીં આવે તો પણ નુકસાન. ખેડૂતોને હવે શું કરવું તે સમજાતું નથી. જયારે થરાદના સાબા ગામના ખેડૂત આક્ષેપો કરી રહ્યા છે કે, સાબા માઇનોર કેનાલમાં બે વર્ષથી આજ દિન સુધી કેનાલનું પાણી આવતું નથી. અમે કેટલીય વાર રજુયાતો કરી છતાં અમારું કોઈ સાંભળતું નથી.
લેખિત તેમજ મૌખિક રજૂઆતો છતાં પરિણામ મીંડું
સાબા ગામના ખેડૂતોને પીરગઢ ડિસ્ટ્રિબ્યુટર કેનાલ માંથી નીકળતી સાબા માઇનોર કેનાલમાં સિંચાઈ માટે પાણી ન મળતા સાબા ગામના ખેડૂતોએ જવાબદાર તંત્રને કેટલીવાર લેખિત તેમજ મૌખિકમાં રજૂઆતો કરી છતાં કોઈ પરિણામ નહીં અમને નર્મદાનું પાણી મળશે, તેવી આશા એ અમે રવી સિઝનમાં લાખો રૂપિયાનો ખર્ચ કરીને વાવેતર કર્યું છે અને હવે પાણી મળતું નથી. જેથી અમે કરેલા ખર્ચનું શું. અમે વ્યાજે લાવેલા રૂપિયાનું શું..? 100થી વધારે ખેડૂતે 10 ફેબ્રુઆરી, 2021ના રોજ ના.કા. ઈજનેરને લેખિત રજૂઆત કરી હતી કે, થરાદ પંથકના સાબા માઇનોરમાં છેલ્લા 45 દિવસથી પાણીનું બુંદ પણ મળ્યું નથી, તો તંત્રને રજૂઆત છે કે થરાદના સાબા માઈનોર કેનાલમાં પાણી આપે, પરંતુ હજૂ સુધી પાણી ન મળતાં ખેડૂત ઉગ્ર બન્યા હતા અને તંત્ર સામે રોષ ઠાલવી રહ્યા હતા.
જો પાણી નહીં મળે તો કેનાલનું જમીન સંપાદનના મળેલ નાણાં સરકારને પાછા આપવા તૈયાર
બનાસકાંઠાના સરહદી પંથકમાં સરકારે કેનાલો બનાવી ત્યારે સરકાર તરફથી જે ખેડૂતોના ખેતરમાં કેનાલ બનાવવા આવી તે ખેડૂતોને સરકાર તરફથી જમીન સંપાદનના રૂપિયા દેવામાં આવ્યાં હતાં. જયારે થરાદ તાલુકાના સાબા ગામના ખેડૂતોએ મીડિયાને જણાવ્યું હતું કે, 'અમને બે વર્ષથી કેનાલમાં પાણી મળતું નથી અમે કેટલીય વાર જવાબદાર તંત્રને રજૂઆતો કરી હતી, પણ આજ દિન સુધી અમને પાણી મળ્યું નથી જેથી અમે મીડિયાના માધ્યમથી સરકારને કહેવા માંગીએ છીએ કે, અમને સરકાર તરફથી જે પણ જમીન સંપાદન માટે મળેલી રકમ અમે દરેક ખેડૂતો સરકારને પાછા આપવા તૈયાર છીએ.