પાલનપુરઃ ધાનેરામાં કોંગ્રેસ શાસિત નગરપાલિકાએ આમ તો અનેક વિકાસના કામ કર્યા છે, પણ આ તમામ વિકાસ કામોમાં મોટા પાયે ગેરરીતિ થઈ હોવાની ફરિયાદ પાલિકાના જ સભ્યે કરી છે. વિવિધ વિકાસ કામોમાં પ્રમુખ, ઉપપ્રમુખ સહિત કોંગ્રેસના તમામ સભ્યોએ ગંભીર બેદરકારી દાખવી મોટાપાયે ભ્રષ્ટાચાર અચર્યો હોવાની ફરિયાદ કરી હતી.
ધાનેરા પાલિકામાં વિકાસ કામોમાં ગેરરીતિ મામલે ફરિયાદ, પાલિકા પ્રમુખ સહિત કોંગ્રેસના 17 સભ્યોને તેડું - ધાનેરા નગરપાલિકા
બનાસકાંઠાના ધાનેરા નગરપાલિકામાં વિકાસ કામોમાં ગેરરીતિ મામલે ફરિયાદ થતાં પાલિકા પ્રમુખ સહિત કોંગ્રેસના 17 સભ્યોને 18 ઓગસ્ટના રોજ હાજર રહેવા તાકીદ કરવામાં આવી છે.
આ મામલે ગુજરાત નગરપાલિકાની કલમ-37 મુજબ 18 ઓગસ્ટના રોજ કોંગ્રેસ નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખ સહિત 17 સભ્યોને ગાંધીનગર ખાતે મહાનગર પાલિકા કમિશ્નરે કારણદર્શક નોટિસ પાઠવી છે અને પ્રમુખ, ઉપપ્રમુખ સહિત તમામ સભ્યોને ગાંધીનગર હાજર રહેવા તાકીદ કરી છે. પાલિકા પ્રમુખ સહિત 17 સભ્યોને હાજર રહેવા હુકમ કરતા હાલ ધાનેરા નગરપાલિકામાં રાજકીય ગરમાવો જોવા મળ્યો છે.
જો કે કારોબારી ચેરમેને ગેરરીતિ થઈ હોવાના મામલે ઇન્કાર કર્યો હતો અને નગરપાલિકામાં બીજા ટર્મના પ્રમુખની ચૂંટણી નજીક હોવાથી કોંગ્રેસ સભ્યો પર દબાણ લાવવાનો ભાજપ આગેવાનો અને સરકાર દ્વારા કરવામાં આવી રહ્યો હોવાનું જણાવ્યું હતું. તેમજ ભાજપ રાજકીય કાવાદાવા કરી કોંગ્રેસ નગરપાલિકાની બોડીને બદનામ કરવાનું કાવતરું કરે છે.