અરવલ્લીઃ જિલ્લામાં ચોમાસા દરમિયાન ભારે વરસાદને લઈ રસ્તાઓ બિસ્માર હાલતમાં છે. જેથી વાહનચાલકો અને રાહદારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, ત્યારે જિલ્લાના ટીંટોઇ ગામમાં પાકા માર્ગને લઈ ગામ લોકોએ રામધૂન બોલાવી તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો હતો.
અરવલ્લીઃ ટીંટોઇમાં ગામના બિસ્માર માર્ગને લઇ ગામ લોકોએ રામધૂન બોલાવી વિરોધ કર્યો - Protests on Bismarck Road in Tintoi village
અરવલ્લી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં હજૂ પણ પાકા માર્ગોનો અભાવ જોવા મળી રહ્યો છે. ચોમાસાના કારણે ગ્રામ્ય વિસ્તારને જોડતા માર્ગ બિસ્માર હાલતમાં છે. જેના કારણે વાહનચાલકો અને રાહદારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જિલ્લાના ટીંટોઇ ગામામાં પાકા માર્ગને લઈ ગામ લોકોએ રામધૂન બોલાવી તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો હતો.
ટીંટોઈ નજીક બ્રહ્મપુરી ગામે જવાનો માર્ગ ગત કેટલાય વર્ષોથી બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે. રસ્તાને લઈને વર્તમાન સરપંચો દ્વારા તંત્રને વારંવાર લેખિત તથા મૌખિક રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ આમ છતાં ભિલોડા અને મોડાસા તાલુકાની હદના કારણે આ રસ્તાનું કામ થતું નથી.
આ રોડ પરથી ટીંટોઈ, બ્રહ્મપુરી, વાંદિયોલ તેમજ આજુબાજુના 10થી વધારે ગામના વિદ્યાર્થીઓ સહિત મોટી સંખ્યામાં વાહનો પસાર થાય છે. વારંવાર રજૂઆતો કરવા છતાં પણ આ રોડનું સમારકામ ન થતું હોવાથી ગામ લોકોએ રોડ પર મોટી સંખ્યામાં ભેગા થઈ રામધૂન બોલાવી સરકાર સામે પોતાનો વિરોધ દર્શાવ્યો હતો અને સત્વરે આ રોડનું કામ થાય તેવી માગ કરી હતી.