- ત્વિષાએ ઈસરોમાં ઇન્ડિયન સ્પેસ ઓલમ્પિયાડ-2 ક્ષેત્રેની પરીક્ષામાં સમગ્ર ભારતમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો
- ત્વિષાને ત્રણ વાર મળી હતી નિષ્ફળતા
- ઈસરો દ્વારા યોજવામાં આવતી ટેડ એક્સ ઇવેન્ટમાં જુનિયર સાયન્ટિસ્ટ તરીકે ઇન્ટરનેશનલ લેવલે ચર્ચા કરવા માટે આમંત્રણ મળ્યુ
અરવલ્લી : સ્વપ્ન તો દરેક જોતા હોય છે, પરંતુ તેને સાકાર કરવા માટે પરિશ્રમ જૂજ લોકો જ કરે છે. અરવલ્લી જિલ્લાના મોડાસામાં ધોરણ 12માં અભ્યાસ કરતી ત્વિષાએ તેને જોયેલા સ્વપ્ન સાકાર કર્યું છે. એક વાર નહીં બે વાર નહીં પરંતુ ત્રણ-ત્રણ વાર મળેલી નિષ્ફળતાને પણ ત્વિષાના વૈજ્ઞાનિક બનવાના મક્ક્મ મનોબળ પરાસ્ત ન કરી શકી. ત્વિષાએ ISROમાં ઇન્ડિયન સ્પેસ ઓલમ્પિયાડ-2 ક્ષેત્રેની પરીક્ષામાં સમગ્ર ભારતમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો છે. અડગ મનથી ત્વિષાએ પોતાના લક્ષાંક પર ધ્યાન કેન્દ્રીત કરીને સખત મહેનત દ્વારા આજે સફળતા મળી છે.
એક્ઝિબિશનમાં ઉપસ્થિત ISROના વૈજ્ઞાનિક પાસેથી પરીક્ષા વિષે માહિતી મેળવી હતી
ત્વિષા જણાવે છે કે, સૌપ્રથમ તે જ્યારે ધોરણ 5 અભ્યાસ કરતી હતી. ત્યારે તેને ISROની પરિક્ષા વિષે સાંભળ્યુ હતું. અમદાવાદ સાયન્સ સિટી દ્વારા ISROનું એક્ઝિબિશન યોજવામાં આવ્યું હતુ. જેમાં એક્ઝિબિશનમાં ઉપસ્થિત ISROમાં ફરજ બજાવી રહેલા વૈજ્ઞાનિક હાજર હતા. જેમની પાસે ત્વિષાએ આ પરીક્ષા અંગેની માહિતી મેળવી હતી.
ઇન્ડિયન સ્પેસ ઓલમ્પિયાડ ચંદ્રયાન-2નો લોન્ચિંગ ડિપાર્ટમેન્ટ ફાળવવામાં આવ્યો
ત્વિષા જણાવે છે કે, તેને પહેલા નેશનલ સ્પેસ સાયન્સની પરીક્ષા આપી હતી. જેમાં પાસ થવાથી ઈન્ડિયન સ્પેસ ઓલમ્પિયાડ માટે સિલેક્ટ થઇ હતી. ઈન્ડિયન સ્પેસ ઓલમ્પિયાડમાં ત્રણ વખત પરીક્ષા આપી હતી, પરંતુ સફળતા ન મળી. ત્યાર બાદ ધોરણ 11માં ફરીથી પ્રયાસ કરતા ઇન્ડિયન સ્પેસ ઓલમ્પિયાડની પરીક્ષામાં ગુજરાતમાં પ્રથમ નંબરે અને ભારતમાં દ્વિતીય ક્રમે આવી હતી. જે બાદ ઇન્ડિયન સ્પેસ ઓલમ્પિયાડ પ્રિલિમ્સની પરીક્ષા આપી હતી. આ પરિક્ષામાં માર્કિંગના આધારે 2020 બાદ યોજવામાં આવેલા પ્રોજેક્ટની વહેંચણી કરવામાં આવતી હોય છે. જેમાં તેને ચંદ્રયાન-2નો લોન્ચિંગ ડિપાર્ટમેન્ટ ફાળવવામાં આવ્યો હતો. તાજેતરમાં ઇન્ડિયન સ્પેસ ઓલમ્પિયાડ-2ની પરીક્ષા આપી હતી. જેનું રિઝલ્ટ 6 જાન્યુઆરીના રોજ જાહેર થયું હતું. જેમાં ભારતમાં તેને પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો છે.