- મોડાસામાં શહેરીજનો માટે નાગરિક પરિવહનની સમસ્યા
- લાંબા સમયથી બંધ છે સિટી બસ સેવા
- પ્રવાસીઓને ફરજિયાત ખર્ચવા પડે છે મોંઘી રિક્ષાના ભાડાં
મોડાસા-અરવલ્લી જિલ્લો બન્યાં બાદ જિલ્લા સેવા સદન, મામલતદાર કચેરી, આર.ટી.ઓ કચેરી , ડી.એસ. પી કચેરી જિલ્લા પંચાયત ભવન તેમજ કોર્ટ જેવી મહત્વની કચેરીઓ નગરના છેવાડે બનાવવામાં આવી છે. સામાન્ય નાગરિકને આ ભવન સુધી પહોંચવા માટે સરળતા રહે તે માટે નગરપાલિકા દ્વારા 5 વર્ષ પહેલા સિટી બસની સુવિધા શરૂ કરવામાં આવી હતી. જેના થકી લોકો ઓછા ભાડામાં જિલ્લા સેવા સદન સુધી પહોંચી શકતા હતાં. આ ઉપરાંત ઈજનેરી કોલેજના વિદ્યાર્થીઓને પણ પરિવહનની સુવિધા મળતી હતી. જોકે કોરોના કાળમાં આ સેવા બંધ થયા પછી પુન: શરૂ કરવામાં ન આવતા લોકોને રીક્ષામાં વધુ ભાડું ખર્ચી મુસાફરી કરવી પડે છે. નિર્માણાધીન બસ સ્ટેશનથી જિલ્લા સેવા સદન જવા માટે રીક્ષાનું ઓછામાં ઓછું ભાડું રૂપિયા 30 થાય છે.
વાહનવ્યવહાર અધિકારીએ શું કહ્યું
આ અંગે નપગપાલિકાના વાહન વ્યવહાર અધિકારી મીકેત પટેલનો સંપર્ક કરતાં તેઓએ જણાવ્યું હતું કે કોરોનાના સમયમાં બસ સુવિધા બંધ કરવામાં આવી હતી. જોકે બસ સેવાથી પાલિકાને આર્થિક નુકશાન થતું હતું. તો બીજી બાજુ પાલિકાના એમ.આઈ.એમ કોર્પોરેટર બુરહાન ચગને જણાવ્યું હતું કે પાલિકા દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવતી સેવાઓમાં ક્યારેય નફો કે નુકશાન ન જોવું જોઈએ.