- દેવની મોરીને વૈશ્વિક બૌદ્ધતીર્થ તરીકે વિકસાવાનો પ્રોજેકટ સરકારી ફાઈલોમાં અટવાયો
- બૌદ્ધતીર્થ બનાવવાની જાહેરાત તત્કાલીન સીએમ અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 2013માં કરી હતી
- બૌદ્ધ સ્થંભ અને ભગવાન બૌદ્ધની મૂર્તિ બનાવવા માટે જાપાન સાથે થયા હતા MoU
અરવલ્લીઃ જિલ્લામાં આવેલ શામળાજીના દેવની મોરી ગામમાં ભગવાન બુદ્વના અવશેષો મળી આવ્યા હતા. આ સ્થળને બૌદ્ધતીર્થ બનાવવા જાહેરાત ગુજરાતના તત્કાલીન મુખ્યપ્રધાન અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 2013માં કરી હતી. જો કે, ત્યાર બાદ આ સ્થળે કોઇ જ વિકાસ ન થતા પ્રોજેકટ ભુલાય ગયો હોય તેવુ લાગી રહ્યુ છે.
1960માં મેશ્વો ડેમના ખોદકામ દરમિયાન ભગવાન બુદ્ધના અવશેષો મળી આવ્યાં
શામળાજીમાં દેવની મોરી ગામ અરવલ્લીની ગિરિમાળાઓમાં આવેલું છે. દેવની મોરી ગામે 1960માં મેશ્વો ડેમનું ખોદકામ કરવામાં આવ્યુ હતું. આ ખોદકામ દરમિયાન ભગવાન બૌદ્ધના અવશેષો મળી આવ્યા હતા. જેમાં ભગવાન બુદ્ધના દાંત સાથેના જડબાનો કેટલોક ભાગ અને મૂર્તિઓ મળી આવી હતી. આ અવશેષોની પુરાતત્વ વિભાગ દ્વારા ખરાઈ કરાઇ હતી અને દલાઈ લામા સહિતના બૌદ્ધ સંતોએ પણ તેની પુષ્ટિ કરી હતી. બ્રાહ્મી લિપિમાં લખાણવાળા સ્તૂપ હાલ વડોદરાના મ્યુઝિયમમાં રાખવામાં આવ્યા છે.