મોડાસાઃ નગરપાલિકા દ્રારા પ્રિમોન્સૂન પ્લાન અંતર્ગત વરસાદી પાણીના નિકાલ માટે નગરમાં આવેલી ગટર સફાઈ કરવા માટે આઉટ સોર્સિંગથી કોન્ટ્રાક્ટ આપ્યો છે. ગટરોની સફાઈ માટે કામ કરતા મજૂરોને કોન્ટ્રાક્ટરે કોઈપણ જાતના સુરક્ષા માટેના સાધનો આપ્યાં નથી. ગ્લવઝ, યુનિફોર્મ જેવા કોઈ સાધનો વિના મજૂરો ગટરની સફાઇ કરી રહ્યા છે.
વરસાદી પાણીના નિકાલ માટે લાખોનો કોન્ટ્રાકટ, છતાં મોડાસામાં સફાઈ કામદારો ભગવાન ભરોસે
મોડાસા નગરમાં અંદાજે બાવન કિલોમીટર લાંબી લાઇનની સફાઈ કરવા કોન્ટ્રાકટરોએ અંદાજિત 10 લાખ રૂપિયાનો કોન્ટ્રાકટ લીધો છે. પરંતુ આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવાનું ટાળી, નિયમ તોડીને મજૂરોને ગટરમાં ઉતારવાની ફરજ પાડે છે. ગટરમાં ઉતારવાના કારણે આ મજૂરોને ચર્મરોગ અને અન્ય રોગ થવાનો પણ ભય રહે છે.
સુપ્રીમ કોર્ટના માર્ગદર્શન મુજબ તમામ રાજ્યોમાં હાથથી ગટરની સફાઇની પ્રથા નાબૂદ કરવામાં આવી છે. પરંતુ તે માત્ર કાગળ પર અમલી છે. હકીકતમાં આવા કોઈ નિયમ પાડવામાં આવતા નથી.
કોરોના વાયરસ ફેલાવાનો ભય છે, ત્યારે હાથમોજા અને મોઢા પર માસ્ક પહેર્યા વિના ગટરની ગંદકી સાફ કરતાં મજૂરો પેટીયું રળી રહ્યા છે. પરંતુ જીવના જોખમે, ન તો તેમની પાસે સેનિટાઈઝર છે અને ન તો સાબુ. આ એમનું કામ છે, તેમ માની રસ્તા પર ચાલતા દરેક લોકો મોઢું ફેરવી લે છે. આવી ગરમીમાં પણ સફાઈ કરવા મજબૂર છે, તેમને બે ટંક ખાવા જોઈએ છે. આ બે ટંકના રોટલા માટે પોતાનો જીવ દાવ પર લગાવી આ મજૂરો નગરને સાફ કરી રહ્યા છે. ત્યારે, નગરપાલિકાના અધિકારીઓ અને સત્તાધીશોએ આ મજૂરોની સુરક્ષા માટે સુપ્રીમ કોર્ટની દિશાનિર્દેશોનું પાલન કરવાની કોન્ટ્રકટરોને ફરજ પાડવી જોઈએ અન્યથા કાર્યવાહી કરવી જોઈએ.