સેજલની બંને કિડની ખરાબ થતાં છેલ્લા બે વર્ષથી ડાયાલિસિસ પર જીવનદોર ખેંચી રહી હતી. આ પીડા તેના પિતાને સહન ન થતાં તેમણે પોતાની એક કિડની દાન આપવાનું નક્કી કરતા સેજલનું અંધકારમય ભવિષ્ય પ્રજ્વલિત થઈ ગયું હતું.
પિતા બન્યા દિકરીના તારણહાર, વાંચો વિશેષ અહેવાલ - એક કિડની દાન
અરવલ્લીઃ જિલ્લાના મોડાસા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલા ટીંટીસર ગામે રહેતા કાંતિભાઈના પરિવારમાં ત્રણ દીકરીઓ છે. તેમાં સૌથી મોટી દીકરી 25 વર્ષીય સેજલને બે વર્ષ અગાઉ પ્રસૂતિ વખતે કિડનીમાં ઇન્ફેકશન થયું હતું, ત્યાર બાદ ડોક્ટરોએ તેને અઠવાડિયામાં બે વખત ડાયાલિસિસ કરવા જણાવ્યું હતું. ત્રણ દીકરીઓના પિતાના હસતા પરિવારમાં અચાનક એવી આફત આવી કે, જેમાંથી ઉગરવું કદાચ અશક્ય હતું. સેજલના પિતા તેમજ પતિને આ અંગે જાણકારી ઓછી હોવાના કારણે તેમણે ડાયાલિસિસ શરૂ રાખી અને આગળ કોઈ જ નિર્ણય લીધો ન હતો.
પિતાએ કર્યું દિકરીને કિડની દાન
કહેવાય છે કે, ભગવાન જ્યારે બધા જ રસ્તા બંધ કરે ત્યારે કોઈ એક રસ્તો ચોક્કસ ખોલી આપે છે. બે વર્ષ બાદ ડોક્ટર સાથે સલાહ લેતા તેમણે કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવવાની સલાહ આપી હતી. પરંતુ, આ માટે કિડની મેચ થવું એ પણ મોટી સમસ્યા હતી. જો કે, કાંતિભાઈની કિડની મેચ થઈ જતા 50 વર્ષના કાંતિભાઈએ તેમની દીકરી સેજલને કિડની આપવાનો મક્કમ નિર્ણય લીધો છે. તેમણે દીકરીને તો નવજીવન આપ્યું જ છે પણ સાથે સાથે અન્ય લોકો માટે પણ તેઓ પ્રેરણાસ્ત્રોત બન્યા છે.