અરવલ્લીમાં મોડાસા નજીક એક ટ્રકને વીજ તાર અડકી જતા આગ લાગી અરવલ્લી:અરવલ્લીમાં મોડાસા નજીક એક ટ્રકને વીજ તાર અડકી જતાં આગ લાગી હતી. સામે આવેલી માહિતી પ્રમાણે ટ્રકમાં 150થી વધુ બકરા ભરેલા હતા. ટ્રકમાં આગ લાગતાં આસપાસના સ્થાનિકોએ ફાયરની ટીમ અને સ્થાનિક વીજ તંત્રને જાણ કરી હતી. ત્રણ જેટલી ફાયર ટીમો સ્થળ પર પહોંચી હતી અને આગને કાબૂમાં લેવા માટેની કાર્યવાહી હાથ ધરી હતી. આગમાં ત્રણ લોકોના મોત થયા છે. જેમાં એક પુરુષ, એક બાળકી સહિત એક મહિલાનું મોત નીપજ્યું છે.
કેવી રીતે બની ઘટના:રાજસ્થાનમાંથી એક ટ્રકમાં ઘેટા-બકરા ભરી માલધારી સમાજના લોકો અરવલ્લી જિલ્લાના મોડાસા નજીક આવેલા બામણવાડ ગામના એક ખેતરમાં પોતાનું પશુધન ઉતારવા જઈ રહ્યા હતા. દરમિયાનમાં ટ્રકચાલકે ટ્રકને ખેતરમાં ઉતારવા જતાં ઉપરથી પસાર થતા વીજતાર ટ્રકને અડકી જતા શોર્ટ સર્કીટથી ટ્રકમાં આગ લાગવાની ઘટના બની હતી.
ત્રણ લોકોના મોત:આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં ટ્રકમાં ભરેલા 150થી વધુ ઘેટા-બકરાને આગની ઝપેટમાં લઇ લેતા ઘેંટા-બકરા બાળીને ખાખ થઇ ગયા હતા. જ્યારે ટ્રકમાં ડ્રાઈવર કેબિનમાં બેઠલા ત્રણ લોકો પણ બળી જતા મોત નીપજ્યું હતું. આ ઘટનામાં એક બાળક, એક મહિલા તેમજ એક યુવક સહિત ત્રણ લોકો ભડથું થઇ જતા મોત નીપજ્યા હતા. ઉલ્લેખનીય છે કે મૃતક મહિલા ગર્ભવતી હતી ત્યારે આગની આ ઘટનામાં એક જ પરિવારના ત્રણ લોકોના મોતથી માલધારી સમાજમાં શોકનો માહોલ સર્જાયો હતો.
પોલીસે વધુ તપાસ હાથ ધરી: જોકે આગની ઘટના અંગે મોડાસા ફાયર ફાઈટર અને પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ અને ફાયર ફાઈટરની ટીમો ઘટના સ્થળે પહોંચી હતી અને આગ ઉપર કાબુ મેળવી પોલીસે સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
- Rajkot Fire News : રાજકોટ RTO ઓફિસ ખાતે આગનો બનાવ, ખાનગી બસ ખાખ થઈ
- Kutch News: માંડવીના આસરાણી ગામના સીમાડામાં વહેલી પરોઢના પવનચક્કીમાં આગ ફાટી નીકળી