- પોલીસે બિનવારસી મળેલા મૃતદેહની કરી ઓળખ
- ધોકેણાના ધા મારી નિપજાવી હતી હત્યા
- 21 દિવસે ખુલ્યો રાઝ, પોસ્ટર કેમ્પઇન બન્યું મદદરૂપ
- પોલીસે 3 આરોપીની કરી અટકાયત
આણંદ:31તારીખના રોજ સાંજના સમયે સુલતાનપુરા મોટી નહેરમાંથી એક યુવાનની હત્યા કરાયેલો મૃતદેહ મળી આવ્યો હતો. જે અંગે આણંદ રૂરલ પોલીસે હત્યાનો ગુનો દાખલ કરીને મૃત્યુ પામનારો યુવક કોણ અને ક્યાંનો છે તે દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા પરંતુ કોઈ સફળતા મળી નહોતી. જેથી પોલીસ દ્વારા આણંદ તાલુકા અને આસપાસના વિસ્તારોમાં મૃતકના પોસ્ટર સાથેનું કેમ્પઇન હાથ ધરવામાં આવ્યું હતું. જે બાદ ગુનાનો ભેદ ઉકલ્યો હતો.
ફોટો ઓળખવાનો કર્યો ઈન્કાર
13 એપ્રિલના રોજ વાસદ પોલીસ મથકે એક ગૂમ થયાની જાણવા જોગ નોંધ દાખલ થઈ હતી. જે અંગે તપાસ કરતા સુલતાનપુરા નહેરમાંથી મળેલા મૃતદેહને મળતું વર્ણન આવતું હોય પોલીસે તરત જ વાસદ પોલીસનો સંપર્ક કરીને ગુમ થયાની જાહેરાત આપનારા લીલાબેન મનુભાઈ પરમારની તપાસ હાથ ધરી હતી અને મૃતદેહવાળો ફોટો બતાવીને ગુમ થનારા આ જ છે કે કેમ તે અંગે પુછપરછ કરી હતી, પરંતુ તેણીએ ફોટો ઓળખવાનો ઈન્કાર કરી દીધો હતો.
પોલીસે બિનવારસી મળેલા મૃતદેહની ઓળખ કરી પતિ મનુભાઈની હત્યા કરી હોવાની કબૂલાત કરી લીધી
પોલીસે લીલાબેન અને તેની પુત્રી તોરલની કોલ ડિટેલ્સ કઢાવીને તપાસ કરતા લીલાબેન 30-31 તારીખના રોજ રાત્રીના સમયે ઘણા કોલ મુકેશભાઈ ચંદુભાઈ પરમારને કર્યા હોવાનું બહાર આવ્યું હતું. જેને લઈને શંકા મજબુત બનતાં પોલીસે લીલાબેન અને તોરલને ઉઠાવીને અલગ-અલગ પુછપરછ કરતાં તોરલ ભાંગી પડી હતી અને જણાવ્યું હતું કે, 30 તારીખના રોજ રાત્રીના સમયે મારા માતા-પિતા વચ્ચે ઝઘડો થયો હતો અને તેમાં મારામારી પણ થઈ હતી. આ વિગતોને આધારે લીલાબેનની કડકાઈથી પુછપરછ કરતાં તે ભાંગી પડી હતી અને તેણીએ જ પતિ મનુભાઈની હત્યા કરી હોવાની કબૂલાત કરી લીધી હતી.
આ પણ વાંચો:પતિએ છરીના ઘા મારી પત્નીની કરી હત્યા
મૃતદેહનો નિકાલ કરવા માટે પ્રેમીને ફોન કરીને ઘરે બોલાવ્યો
પોલીસના જણાવ્યા અનુસાર મનુભાઈ પરમાર દારૂ પીવાની ટેવવાળો હતો. અવાર-નવાર દારૂ પીને ઘરે આવીને પત્ની લીલાબેન સાથે ઝઘડા કરતો હતો. ગઈ 30 તારીખના રોજ મનુભાઈ દારૂ પીને આવી પત્ની લીલાબેન સાથે ઝઘડવા લાગ્યો હતો. જેમાં ઝપાઝપી થતાં લીલાબેને ધોકરણું માથામાં તેમજ મોઢાના ભાગે મારી દેતાં પતિ મનુભાઈ લોહી-લુહાણ હાલતમાં ત્યાં ફસડાઈ પડ્યો હતો અને થોડીવારમાં જ શરીર ઠંડુ પડી ગયું હતું અને ત્યાં જ મોતને ભેટ્યો હતો. જેથી મૃતદેહનો નિકાલ કરવા માટે પ્રેમી મુકેશભાઈ ચંદુભાઈ પરમારને ફોન કરીને ઘરે બોલાવ્યો હતો.
પતિનો શર્ટ અને ચપ્પલ ઘરના પાછળના ભાગે સળગાવી નાખ્યા
ઘરના પાછલા દરવાજેથી મૃતદેહને નીચે ઉતારીને ઉંચકીને રોડ ઉપર લઈ ગયા બાદ કોઈને પણ શક ન જાય તે માટે ત્રીજો વ્યક્તિ બાઈક ઉપર બેઠો હોય તેમ વચ્ચેના ભાગે મૃતદેહને બેસાડીને અડાસથી સુલતાનપુરા ડેરી પાસે થઈને નહેર પાસે ગયા હતા. મૃતદેહને ફેંકીને ઘરે આવતા રહ્યા હતા. ત્યારબાદ બીજા દિવસે સવારે લીલાબેન અને તેની પુત્રી તોરલે ઘરની પાછળની ઓસરીમાં જે જગ્યાએ મનુભાઈનું લોહી પડ્યું હતું તે જગ્યાએ લીંપણ કરી નાંખ્યું હતું અને પતિનો શર્ટ તેમજ ચપ્પલ ઘરના પાછળના ભાગે ખુલ્લી જગ્યામાં લઈ જઈને સળગાવી નાખ્યા હતા. આ કબૂલાતના આધારે પોલીસે લીલાબેન મનુભાઈ પરમાર, તોરલબેન અને મુકેશભાઈ પરમારની ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી હતી.
આ પણ વાંચો:પત્નીએ જમવાનું ન બનાવતા પતિએ હત્યા કરી, રાત્રે મૃતદેહની બાજુમાં જ સૂઈ રહ્યો
પોલીસે ગામડાઓમાં મૃતકના પોસ્ટરો લગાવતા લીલાબેને ગુમ થયાની આપી હતી જાણ
DySP બી. ડી. જાડેજાના જણાવ્યા અનુસાર મૃતદેહની ઓળખ વિધિ કરવા માટે પોલીસે ઘણા પ્રયાસો કર્યા હતા. આસપાસના ગામડાઓમાં પણ ગુપ્ત રીતે આવી કોઈ વ્યક્તિ ગુમ થઈ છે કે કેમ તે અંગે તપાસ હાથ ધરી હતી. સાથે-સાથે સોશિયલ મીડિયામાં પણ ફોટા વહેતા કરીને તપાસ હાથ ધરવામાં આવી હતી. રાજ્યના તમામ પોલીસ મથકો અને દુરદર્શન ઉપર પણ મૃતદેહના ફોટા સાથેની વિગતો મોકલી આપીને આવી કોઈ વ્યક્તિ ગુમ થઈ હોય તો આણંદ પોલીસનો સંપર્ક કરવા જણાવ્યું હતું પરંતુ કોઈ કડી મળી નહોતી. જેથી પોલીસે આસપાસના ગામોમાં મૃતદેહના પોસ્ટરો છપાવીને ચોંટાડવાના શરૂ કર્યા હતા. જે અનુસાર અડાસ ગામમાં પણ પોસ્ટરો ચોંટાડતા લીલાબેન ગભરાયા હતા અને 13 તારીખના રોજ વાસદ પોલીસ મથકે જઈને પોતાના પતિ ગુમ થયાની જાહેરાત આપી હતી.
મનુભાઈ હોટલોમાં મજૂરી કામ કરતો હતો
પત્નીના ધોકેણાનો ભોગ બનેલો મનુભાઈ મોટાભાગે હાઈવેની હોટલોમાં જ છૂટક કામ કરીને જીવન ગુજરાન ચલાવતો હતો. એક હોટલમાં એકાદ-બે મહિના સુધી નોકરી કર્યા બાદ તે છોડીને બીજી હોટલોમાં જતો રહેતો હતો. ઘરે પણ ક્યારેક-ક્યારેક જતો હતો. તેને દારૂ પીવાની ટેવ પડી ગઈ હોવાથી ઘરે દારૂ પીને જઈ પત્ની સાથે ઝઘડા કરીને મારઝુડ કરતો હતો. જેથી લીલાબેન પણ કંટાળી ગયા હતા.