આણંદઃ કેન્દ્ર સરકાર દ્વારા દેશમાં ફાસ્ટેગને ફરજીયાત કર્યા બાદ આણંદ જિલ્લામાંથી પસાર થતા રાષ્ટ્રીય ધોરી માર્ગ NH-48 પર આવેલા વાસદ ટોલ નાકા પર નાગરિકો માટે સુવિધા સાથે દુવિધા જેવી સ્થિતિનું સર્જન થયું છે.
વાસદ ટોલથી પસાર થતા વાહનો માટે મહત્તમ બુથ ફાસ્ટેગ ટોલ બુથ રાખવામાં આવ્યાં છે. જ્યારે માત્ર બે બુથ રોકડ વહેવાર કરી શકાય તે રીતે રાખવામાં આવ્યા છે, જેથી ફાસ્ટેગ વગરના વાહન ચાલકો માટે લાંબી લાઈનોમાં ઉભા રહેવા ફરજ પડે છે. આણંદમાં આવેલા વાસદ ટોલ બુથ પર રોકડના બુથ સિવાયના ફાસ્ટેગ રો માંથી પસાર થવા ટેગ ન હોય તેવા સાધનો પાસેથી રોકડ સ્વરૂપે બમણો ચાર્જ વસૂલાત કરવામાં આવે છે, જે મુસાફરો માટે મુશ્કેલી ઉભી કરે છે.
સરકાર દ્વારા ઉભી કરવામાં આવેલી આ નવી ડિજિટલ ટેકનોલોજી થકી મુસાફરીમાં લાગતો સમય ઘટાડી અને ટોલ બુથમાં વેડફાઈ રહેલ પેટ્રોલિયમ પેદાશોની બચત કરવાનો સારો આશય રહેલો હશે! પરંતુ વર્તમાન પરિસ્થિતિ કંઈક વિપરીત બની છે. ઝડપી ચૂકવણી માટે લગાવવામાં આવેલા ફાસ્ટેગ ઘણા કિસ્સામાં મુસાફરોનો સમય વેડફી પણ નાખે છે. તેવા કિસ્સા પણ સામે આવે છે કે, ફાસ્ટેગમાં જરૂરી નાણાં હોવા છતાં મશીનમાં અપર્યાપ્ત નાણા હોવાની ઘટનાઓ બને છે, જે કિસ્સામાં પ્રવાસીને સુવિધા હોવા છતાં અગવડતા વેઠવી પડે છે. આ સાથે જ ફાસ્ટેગ એકાઉન્ટમાં નાણાં હોવા છતાં રોકડ વહેવાર કરવા મજબૂત બનવું પડે છે.
વાસદ ટોલ નાકુ આણંદ જિલ્લામાં આવેલું છે, જે આણંદ અને વડોદરા જિલ્લાને જોડે છે, ત્યારે નેશનલ હાઇવે ઓર્થોરીટી દ્વારા બુથથી નિયત કિલોમીટરના વાહનો માટે પાસની સેવા ઉપબ્ધ કરાવવામાં આવે છે. બીજી તરફ આણંદ પાસિંગ (GJ 23) સાધનો માટે ટોલના રેટમાં રાહત આપવામાં આવે છે. સામાન્ય રીતે વાસદ ટોલ પર 125 રૂપિયા ફાસ્ટેગમાંથી કાપવામાં આવે છે, જ્યારે આણંદ પાસિંગ(GJ 23) ના સાધનો માટે 60 રૂપિયા રોકડની લાઇનમાંથી વસૂલવામાં આવે છે. જેથી આણંદના પાસિંગના સાધનોના વાહન ચાલકો માટે આર્થિક લાભની લાલચે છતાં ફાસ્ટેગ લાંબી લાઈનોમાં ઉભા રહેવા મજબૂર બનવું પડે છે, જેમાં સમય અને પેટ્રોલ બંનેનું નુકસાન વેઠવું પડી રહ્યું છે. સરકાર દ્વારા ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન પુરું પાડવા માટે લાગુ કરવામાં આવેલા ફાસ્ટેગની સુવિધા આણંદવાસીઓ માટે વાસદ ટોલ પર દુવિધા રુપ સાબિત થઈ રહ્યું છે. આ સાથે જ રોકડની લાંબી લાઈનો ઓછા બુથમાં વધારો કરવા સમક્ષ ઈશારો કરી રહયાં છે, ત્યારે નાગરિકોને પડતી તકલીફો માટે સરકાર યોગ્ય નિર્ણય લે તેવી માગ ઉઠવા પામી છે, આ ઉપરાંત ફાસ્ટેગમાં રહેલી ક્ષતિઓને દૂર કરી ક્ષતિ રહિત ડિજિટલ સિસ્ટમ વિકસાવવામાં આવે તેવી જાગૃતજનોમાં સુર ઉઠવા પામ્યો છે.