આણંદ: ગાંધીજી દ્વારા તેમના જીવનકાળ દરમિયાન આઝાદી માટે કરેલા અનેક આંદોલનમાંનું એક એટલે દાંડી યાત્રા. અંગ્રેજો દ્વારા રોજિંદા ઉપયોગમાં આવતા મીઠા પર આકરા કર નાખવામાં આવ્યા ત્યારે સવિનય કાનૂન ભંગની ઝુંબેશ ગાંધીજીએ શરુ કરી. જેને તે સમયે ખૂબ સારું સમર્થન મળ્યું હતું. ગાંધીજીએ સાબરમતી આશ્રમથી દાંડી સુધી પગપાળા યાત્રા યોજી હતી. જેને દાંડી યાત્રા નામ આપવામાં આવ્યું હતું. આજે પણ હજારો લોકો તેમના જીવન અને સિદ્ધાંતોને જીવવા દાંડી યાત્રા પર આવતા હોય છે.
નેધરલેન્ડનો યુવાન ગાંધીજીના જીવનથી થયો પ્રભાવિત, ચોથીવાર કરી રહ્યો છે દાંડી યાત્રા - દાંડી યાત્રા
મહાત્મા ગાંધીના જીવન અને તેમના સિદ્ધાંતોથી અનેક લોકો પ્રભાવિત થયા છે. ભારતને અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદી અપાવી જે થકી મક્કમ મનોબળ અને ધીરજનું અદ્વિતીય ઉદાહરણ વિશ્વને આપ્યું હતું. જેનાથી દેશ અને વિદેશમાં વસતા લાખો લોકો ગાંધી વિચાર અને આદર્શોને માનતા થયા છે.
જેમાં દેશ વિદેશના લોકોનો સામાવેશ થાય છે. દાંડી યાત્રાને 90 વર્ષ પૂર્ણ થયા છે. ત્યારે ગાંધીજીને આદર્શ માનતા નેધરલેન્ડના વતની રોબ બ્રુસમા ચોથીવાર ચાલતા દાંડી યાત્રા પર નીકળ્યા છે. જે આણંદ જિલ્લાના મહેમાન બન્યા હતા.
રોબે ETV BHARAT સાથે ખાસ વાતચીત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, ગાંધીજીએ હક અને સ્વરાજ માટે ખૂબ ઉમદા કાર્યો કર્યા હતા. વિશ્વમાં માનવતાને ટકાવી રાખવા માટે આ જરૂરી હોય છે. 1930માં ગાંધીજીએ કાચા રસ્તા અને તમામ સુવિધાઓના અભાવ સાથે દાંડી યાત્રા પૂર્ણ કરી હતી. આજે યાત્રા કરવા માટે રોડ રસ્તા છે. તમામ સુવિધાઓ મળી રહે છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, તેમના મોટા પુત્રનું અવસાન થયું પછી તેને આઘાત લાગ્યો હતો. જેમાંથી બહાર આવવા અને શાંતિ પ્રાપ્ત કરવા માટે તે દાંડી યાત્રા કરે છે.