આણંદ: સમાજમાં શિક્ષણની વર્તમાન પરિસ્થિતિ ખૂબ ચિંતાજનક છે, શિક્ષણના થયેલા વ્યાપારીકરણમાં શિક્ષકને એક વ્યવસાય બનાવી દીધો છે. સારી શાળામાં પ્રવેશ મેળવવા ઉંચી ફી આપવી પડે છે. સારું બિલ્ડિંગ, રમતના મેદાનો અને અન્ય સુવિદ્યાના નામે અઢળક ફી વાલીઓ પાસેથી વસૂલવામાં આવે છે. જેનું આર્થિક ભારણ પરિવાર પર પડે છે.
આજના મોંઘવારીના સમયમાં આણંદ જિલ્લામાં એક એવા શિક્ષક છે, જે છેલ્લા 17 વર્ષથી કોઈ સ્વાર્થ અને આશા અપેક્ષા રાખ્યા વિના ગરીબ અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને વિનામૂલ્યે અક્ષરજ્ઞાન સાથે સંસ્કારનું સિંચન કરી રહ્યા છે. છેલ્લા 17 વર્ષમાં તેઓ ત્રણ લાખ કરતા વધારે બાળકોને જીવનમાં ઉપયોગી બને તેવું શિક્ષણ આપી ચૂક્યા છે. આણંદના કર્મનિષ્ઠ શિક્ષક નીતિનભાઈ આત્મારામ પ્રજાપતિના પિતા શિક્ષક હતા અને પિતા દ્વારા વારસામાં તેમને શિક્ષણ આપવાની ઢબ અને સમજ મળી છે. આણંદમાં અંગ્રેજીના ટયૂશન ચલાવતા નીતિનભાઈ વર્ષોથી ગરીબ અને ભણવામાં ઓછી રુચિ ધરાવતા બાળકોને અલગ જ રીતે શિક્ષણ આપી રહ્યા છે.
શિક્ષક દિન : શિક્ષણના વ્યાપારીકરણથી વિપરીત, જાણો આણંદના કર્મનિષ્ઠ શિક્ષક વિશે નીતિનભાઈ દ્વારા માનસિક રીતે મંદ બાળકો માટે એક વિશેષ પ્રકારની પદ્ધતિ વિકસિત કરવામાં આવી છે. જેના થકી તે આવા વિશિષ્ઠ બાળકોને નિ:સ્વાર્થ ભણાવી રહ્યા છે. તેઓ માને છે કે, દુનિયામાં કોઈ મંદ બુદ્ધિનું હોતું નથી. તેઓ માને છે કે, દરેક બાળકની કંઇક નવું શીખવાની ઝડપ જુદી જુદી હોય છે, કોઈક જલ્દી ગ્રહણ કરી યાદ કરી લે છે, તો કોઈકને શીખવામાં થોડો સમય વધારે લાગે છે. પરંતુ બન્નેમાં શિક્ષકની બાળકને તે વસ્તુ શીખવવા માટેની ધગશ વધુ કામ કરે છે. તેઓ વ્યવસાયમાં અંગ્રેજી ટ્યૂશન કલાસીસ ચલાવે છે અને તેમની આવડત અને કોઠાસૂઝના કારણે ઘણી સંસ્થાઓ અને કલાસીસમાં તેમને સારા પગારની ઓફર સાથે બોલવવામાં આવી ચૂક્યા છે. પરંતુ તે માને છે કે, જે પ્રમાણે જે કામમાં માનસિક સંતોષ થાય તે કામ કરવું. જેના કારણે આજે 50 વર્ષની ઉંમરે પણ તેઓ દેશને શિક્ષિત બનાવવા નિ:સ્વાર્થ સેવા આપી રહ્યા છે.નીતિનભાઈએ 1500થી વધુ સ્લાઈડ પોતાના હાથથી બનાવી છે. જેમાં રંગ, આકાર, ફળ, ફૂલ, સાધન, વાહન વગેરે જેવા 51 વિષય પર બાળકોને હિન્દી, ગુજરાતી અને અંગ્રેજી ત્રણેય ભાષામાં અભ્યાસ કરાવવામાં આવે છે. આ સાથે જ દિવ્યાંગ બાળકો માટે તેમણે વિશેષ પ્રકારની બ્લાઇન લિપિમાં સ્લાઈડ બનાવી છે. નીતિનભાઈની 17 વર્ષની મહેનત અને બાળકોને ભણતર માટે જરૂરી બદલાવ અને સંશોધન કરી તેમણે આજે એક એવી ચોક્કસ મેથડ બનાવી છે. જેમાં બાળકોને આપો આપ વિષય મગજમાં ઉતરી જાય છે. આજે નીતિનભાઈની ઓપન સ્કૂલમાં આવતા બાળકો દેશ માટે વિચારતા બન્યા છે.નીતિનભાઈ સંયુક્ત પરિવારમાં રહે છે, તે ઘર ખર્ચ સિવાય પોતે કોઈ જ ખર્ચ પોતાની મોજમસ્તી માટે કરતા નથી. તેઓ માને છે કે, જો હું બહાર જમવા જાઉં તો 2000 રૂપિયાનો ખર્ચ થાય. તેના કરતાં આ પૈસાથી તેઓ તેમની ઓપન સ્કૂલમાં ચાર દિવસ બાળકોને નાસ્તો આપી શકે છે. નીતિનભાઈ આ સેવાકાર્યને પોતાની ફરજ સમજે છે, અને આણંદ અને આસપાસના પરા વિસ્તારોમાં બાળકોને શિક્ષણ આપે છે. આજે કોરોના મહામારીમાં પણ નીતિનભાઇ સરકારી નિયમોનું પાલન કરી આ બાળકોને સંસ્કારના પાઠ ભણાવે છે.ભારતીય સંસ્કૃતિમાં ગુરુનું સ્થાન સૌથી મોટું માનવામાં આવે છે. કહેવાય છે કે, મિલકતમાં ભાગ પડશે પરંતુ જ્ઞાનમાં કોઈ ભાગીદાર નથી, તેને વહેંચવાથી તે વધશે. ત્યારે નીતિનભાઈ જેવા કર્મથી બનેલા શિક્ષક થકી સમાજનો એક જરૂરિયાતમંદ વર્ગ પણ આજે આગળ આવવા જ્ઞાન મેળવી રહ્યો છે. નીતિનભાઈની ઓપન સ્કૂલમાં આવતા બાળકો આજે કારકિર્દીના સ્વપન જોતા બન્યા છે. તેમાંથી કોઈ આવનાર ભવિષ્યમાં દેશ અને દુનિયાનું નામ રોશન કરશે. તેવી આશા રાખી નીતિનભાઈ તેમને અક્ષરજ્ઞાન આપી યથાશક્તિ મદદરૂપ બની રહ્યા છે. ત્યારે આજના શિક્ષક દીને આજે નીતિનભાઈ જેવા શિક્ષક પર સમાજે ગર્વ કરવો જોઈએ.