- હાડગુડના નવસર્જન ગૃપ( Navsarjan Group )દ્વારા રોડના પુન:નિર્માણની માગ
- સરપંચ સહિત ઉચ્ચ કક્ષાએ લેખિત રજૂઆતો કરાઇ
- હાડગુડના ગ્રામજનોમાં ખુશાલીની લહેર પ્રસરી જવા પામી
આણંદ :જિલ્લાના હાડગુડ ગ્રામ પંચાયત દ્વારા નિર્માણાધીન માર્ગ ખૂબ જ ટૂંકા ગાળામાં ખસ્તા થઈ જતા હાડગુડના નવસર્જન ગૃપ ( Navsarjan Group ) દ્વારા રોડના પુન:નિર્માણની માગને લઈને સરપંચ સહિત ઉચ્ચ કક્ષાએ લેખિત રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ તંત્રના પેટનું પાણી ન હલતા નવ યુવાનોએ જર્જરિત રોડને મૃત જાહેર કર્યો હતો.
નવનિર્માણ કાર્યને મુદ્દો બનાવી નવસર્જન ગૃપ દ્વારા આંદોલનનું રણશિંગુ ફૂંકવમાં આવ્યું
મીણબત્તીઓ સળગાવી રોડની શોકસભા પણ યોજવામાં આવી હતી. રોડના નવનિર્માણ કાર્યને મુદ્દો બનાવી નવસર્જન ગૃપ ( Navsarjan Group ) દ્વારા આંદોલનનું રણશિંગુ ફૂંકવમાં આવતા તંત્ર હરકતમાં આવ્યું હતું અને નરકાગાર રોડને તોડી તેની જગ્યાએ ફરી વખત નવીન માર્ગના નિર્માણ કાર્યની શરૂઆત કરવામાં આવી હતી.
ગ્રામપંચાયતના સત્તાધીશો વિરુદ્ધ ગોબાચારીના આક્ષેપો પણ થયા
હાડગુડ ગ્રામપંચાયત દ્વારા 14મા નાણા પંચની ગ્રાન્ટમાંથી 2.70 લાખના ખર્ચે પોસ્ટ ઓફિસથી લઈને ભાથીજી મંદિર સુધીનો સી. સી. રોડ બનાવાયો હતો. જે ખૂબ જ ટૂંકાગાળામાં ખખડધજ હાલતમાં ફેરવાઈ જતા હાડગુડ ગ્રામ પંચાયતના સત્તાધીશો વિરુદ્ધ ભ્રષ્ટાચારના આક્ષેપો પણ થયા હતા.
મૃત:પ્રાય હાલતમાં ફેરવાયેલા રોડને તોડી નાંખવાની શરૂઆત કરાઇ
નવસર્જન ગૃપ ( Navsarjan Group ) સહિત ગામના યુવાનોએ હાડગુડ ગ્રામ પંચાયત, TDO તેમજ DDO અને કલેક્ટર સુધી ઉચ્ચ કક્ષાએ લેખિત ફરિયાદો કરીને રોડમાં ભ્રષ્ટાચાર અને માર્ગના પુન:નિર્માણની માગ કરવામાં આવી હતી. જેને પગલે પરિસ્થિતિને પારખી ગયેલા હાડગુડ ગ્રામ પંચાયત તંત્ર હરકતમાં આવ્યું હતું. મૃત:પ્રાય હાલતમાં ફેરવાયેલા રોડને તોડી નાંખવાની શરૂઆત કરી દેવામાં આવી હતી. જર્જરિત રોડની જગ્યાએ ફરીવાર નવેસરથી રોડ બનાવવાની કાર્યવાહી શરૂ કરવામાં આવતા હાડગુડના ગ્રામજનોમાં ખુશાલીની લહેર પ્રસરી ગઇ હતી.
પંચાયત તંત્રને ફરીવાર નવેસરથી માર્ગના નવનિર્માણની ફરજ પડી