આણંદઃ 4 જુલાઈ વહેલી સવારે ખડાણા ગામના ચૌહાણપુરા વિસ્તારમાં રહેતા રીક્ષા ચલાવીને ગુજરાન કરતા દિનેશભાઈ ચૌહાણની ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા મારી કરપીણ હત્યા કરેલો મૃતદેહ મળી આવ્યો હતો. પેટલાદ રૂરલ પોલીસે આ અંગે હત્યાનો ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી હતી.
પત્નીએ પ્રેમી સાથે મળીને કરી પતિની હત્યા આ ઘટનામાં મૃતક દિનેશભાઇના પત્ની કરુણાબેન ઉર્ફે રંજન શંકાના દાયરામાં આવતા તેની ઝીણવટ ભરી તપાસ હાથ ધરી હતી. પ્રથમ તો રંજન હત્યા બાબતે કશું જ જાણતી નથી તેવો ડોળ કરતી હતી, પરંતુ પોલીસને માહિતી મળી હતી કે, કરુણા બેન ઉર્ફે રંજનને તેના પિયર ઝાલાબોરડી ખાતે રહેતા એક યુવાન સાથે પ્રેમ સંબંધ છે. જેથી પોલીસની ટીમ ઝાલા બોરડી ગામે પહોંચી હતી અને કરુણા બેનના પ્રેમી અરવિંદસિંહ બળવતસિંહ પરમારની ઉલટ તપાસ કરી હતી. જે દરમિયાન અરવિંદસિંહે હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી.
પેટલાદ રૂરલ પોલીસે કર્યો ખુની ખેલનો પર્દાફાશ સમગ્ર હત્યા કેસનો ઘટનાક્રમ
4 જુલાઈઃ
- પેટલાદમાં 32 વર્ષીય યુવકની ઘાતકી હત્યા
- પોલીસને જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો
- મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે પેટલાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો
7 જુલાઈઃ
- પોલીસે પ્રેમી અરવિંદસિંહ બળવતસિંહ પરમારની ઉલટ તપાસ કરી
- કડક પૂછપરછ બાદ પ્રેમીએ હત્યા કર્યાની કબૂલાત કરી
- પ્રેમી સાથે મળી રંજને દિનેશની હત્યા કરી હોવાનું ખુલ્યું
- રંજનને દિનેશની હત્યા કરવામાં પ્રેમી અને તેના બે મિત્રોએ મદદ કરી
- પોલીસે આ હત્યા કેસમાં 4 આરોપીઓની ધરપકડ કરી
- પોલીસે રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી
પેટલાદ ડિવિઝનના Dy. SP આર. આર. સોલંકીના જણાવ્યા અનુસાર કરૂણા અને અરવિંદસિંહ વચ્ચે લગ્નના 7 વર્ષ અગાઉથી પ્રેમસંબંધ હતો અને બંને અવારનવાર મળતા હતા. લગ્ન બાદ પણ આ સિલસિલો ચાલુ રાખ્યો હતો. કરુણા પતિ સાથે છૂટાછેડા લેવા માટે પ્રયત્ન કરી રહી હતી, પરંતુ દિનેશભાઈ તેને છૂટાછેડા આપવા માંગતો ન હતો. જે કારણે પ્રેમી સાથે મળી રંજને દિનેશની હત્યા કરી નાખી હતી. આ હત્યા કરવામાં પ્રેમીના બે મીત્રોએ પણ મદદ કરી હતી. આ સમગ્ર હકીકત બહાર આવતા પેટલાદ પોલીસ દ્વારા ચારેય આરોપીઓની ધરપકડ કરી રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, 3 જુલાઈના રોજ પેટલાદ તાલુકાના ખડાણા ગામે રાત્રીના સુમારે 32 વર્ષીય યુવાનનું ગળા પર તિક્ષ્ણ હથિયારથી ઘા ઝીંકી ઘાતકી હત્યા કરવામાં આવી હતી. આ ઘટનાને કારણે આસપાસના વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. પેટલાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી યુવાનના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે પેટલાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.