આણંદઃ રાજ્યના ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ વિધાનસભામાં કહ્યું હતું કે, સીએએના વિરોધ અને ખંભાતમાં તાજેતરમાં થયેલા કોમી તોફાનોને ધ્યાનમાં લઈને ઉત્તર પ્રદેશ સરકારની તર્જ પર તોફાનીઓ પાસેથી નુકસાનની વસૂલીની સંભાવનાઓ ચકાસવા માટે પોલીસને નિર્દેશ કર્યો છે. ગૃહપ્રધાને જણાવ્યું હતુ કે, મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ તોફાનીઓ પાસેથી નુકસાનની સંભવિત વસૂલી અંગે પોલીસને આવશ્યક નિર્દેશ આપ્યા છે.
ખંભાતના કોમી તોફાનઃ નુકસાનની ભરપાઈ તોફાનીઓ પાસેથી વસૂલાશે! - yogi modal
ખંભાતના કોમી તોફાનોમાં થયેલા નુકસાનની ભરપાઈ યુપીના યોગી મોડલ પર કરવાની સંભાવનાઓ ચકાસવા માટે રાજ્યના ગૃહ વિભાગે પોલીસને નિર્દેશ કર્યો છે.
વિપક્ષ કોંગ્રેસ અને સત્તારૂઢ ભાજપ વચ્ચે વિધાનસભામાં મંગળવારે તોફાનોને લઈને તીખી ચર્ચા થઈ હતી. ઉલ્લેખનીય છે કે એક સપ્તાહ પહેલા ખંભાતમાં થયેલા તોફાનોથી શહેર હચમચી ઉઠ્યું હતું.
ખંભાતના તોફાનનો મામલો અમદાવાદના કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ સાર્વજનિક મહત્વના વિષય તરીકે ઉઠાવ્યો હતો. 23મી ફેબ્રુઆરીના રોજ થયેલી કોમી હિંસામાં દુકાનો-મકાનોની તોડફોડ, લૂંટફાટમાં કરોડો રૂપિયાનું નુકસાન થવા પામ્યું હતું. છેલ્લા 11 મહિનાઓ દરમિયાન ખંભાતમાં ત્રણ વખત કોમી તોફાન થયા હતા. તેમણે કહ્યું હતું કે, દિલ્હીની જેમ તોફાનગ્રસ્ત વિસ્તારોનો સર્વે કરીને વળતર આપવું જોઈએ. ઉત્તર પ્રદેશની જેમ ઈચ્છુ છું કે, ગુજરાત સરકાર તોફાનીઓ પાસેથી નુકશાનીની ભરપાઈ કરાવે.