આણંદ: જિલ્લામાં દિનપ્રતિદિન કોરોના વાઈરસના પોઝિટિવ કેસમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. લોકડાઉનના શરૂઆતના 14 દિવસ દરમિયાન આણંદ જિલ્લામાં એક પણ પોઝિટિવ કેસ નોંધાયો ન હતો. જે બાદ આણંદના પાધરિયા વિસ્તારમાં રહેતા નગરપાલિકાના એક કર્મચારીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ ક્રમશઃ આણંદમાં લગભગ દરરોજ એક રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
હાલ આણંદમાં કુલ 9 વ્યક્તિઓ કોરોના વાઈરસનો ભોગ બની ચુક્યા છે. જેમની સારવાર અને વિવિધ હોસ્પિટલોમાં થઈ રહી છે. ત્યારે આણંદ જિલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગ દ્વારા કોરોના પોઝિટિવ વ્યક્તિના સંપર્કમાં આવેલા તેમના સંબંધી તથા તેમની આસપાસના નાગરિકોનું પણ સ્કેનિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે.
બે દિવસ અગાઉ ખંભાતમાંથી એક મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યારબાદ ક્રમશઃ તેના પરિવારના બે સભ્યો અને સોમવારે તેમના પાડોશમાં રહેતા એક વ્યક્તિનો રિપોર્ટ પોઝિટિવ આવતા ખંભાતમાં ભયનું માહોલ સર્જાયો છે. ખંભાત નગરમાં રહેતાં નાગરિકોની આરોગ્ય વિભાગ દ્વારા ઝીણવટ ભરી તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
આણંદ જિલ્લામાં હજૂ વધુ કેસ સામે આવે તેવી પરિસ્થિતિનું સર્જન થવા પામ્યું છે. આ સાથે જ આંકલાવ તાલુકાના નવાખલની રહેવાસી એક મહિલા જે બરોડાથી થોડા દિવસ પહેલા નવાખલ આવ્યા બાદ તેની તબિયત લથડી હતી. તેનો પણ રિપોર્ટ પોઝિટિવ આવતા આણંદ જિલ્લાના કુલ 3 તાલુકામાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં વધારો નોંધાવા પામ્યો છે.
આણંદ જિલ્લાની હાલની પરિસ્થિતિ પ્રમાણે ક્રમશઃ પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ત્યારે ઇટીવી ભારત આણંદ વાસીઓને ખાસ અપીલ કરે છે કે, મહામારીના આ સમયે ઘરમાં રહો, કામ સિવાય ઘરની બહાર નીકળવાનું ટાળો તથા સરકારે પ્રસિદ્ધ કરેલી ગાઈડલાઈન્સને અનુસરી સલામતીના પગલાં લો અને કોવિડ-19 સામેની લડતમાં ઘરમાં રહી દેશને મદદરૂપ બનો.