- કેન્દ્રીય પ્રધાન પુરૂષોત્તમ રૂપાલાની ઉપસ્થિતિમાં ખંભાતમાં યોજાઈ મહા જાહેરસભા
- જાહેરસભામાં પુરૂષોત્તમ રૂપાલાએ કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહાર
- ભાજપને ફરી એકવાર જંગી મતે જીતાડવા કર્યું આહ્વાન
આણંદ : સ્થાનિક સ્વરાજની ચૂંટણી સંદર્ભે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોના પ્રચાર અર્થે કેન્દ્રીય પ્રધાન પુરૂષોત્તમ રૂપાલાની વિશેષ ઉપસ્થિતિમાં ખંભાતના પાણિયારી મેદાન ખાતે મહા જાહેરસભા યોજાઈ હતી. આ પ્રસંગે સાંસદ મિતેષ પટેલ, ભાજપ પ્રમુખ વિપુલ પટેલ, ધારાસભ્ય મયુર રાવલ, ભાજપ મહાપ્રધાન મયુર સુથાર, શહેર ભાજપ પ્રમુખ પિનાકિન બ્રહ્મભટ્ટ, તાલુકા પ્રમુખ ભીખાભાઇ, જિલ્લા-તાલુકા-નગરપાલિકા ચૂંટણી લડતા ભાજપના ઉમેદવારો, સંગઠનના તમામ હોદ્દેદારો, વિવિધ મોરચાના પ્રમુખ-મહાપ્રધાન સહિત કાર્યકર્તાઓ, શુભેચ્છકો-સમર્થકો અને વિશાળ સંખ્યામાં ખંભાત તાલુકા-શહેરના ભાઈઓ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા.
પુરુષોત્તમ રૂપાલાની મહા જાહેરસભા રાજીવ ગાંધીની સરકાર વખતે 1 રૂપિયો મોકલતા તો જનતાને 15 પૈસા મળતા
ખંભાતમાં કેન્દ્રીય કૃષિ પ્રધાન પુરૂષોત્તમ રૂપાલાએ પોતાની આગવી શૈલીથી ખંભાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્વે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યાં. જેમાં પુરૂષોત્તમ રૂપાલાએ કેન્દ્ર સરકારની અનેક યોજનાઓ થકી ખંભાતમાં 300 કરોડની ગ્રાન્ટના કામ ખંભાત વિધાનસભામાં આવ્યા છે. જેના કારણે ગામડામાં સાચા અર્થમાં આજે વિકાસ થયો છે. કોંગ્રેસ પર પ્રહારો કરતાં તેમણે કહ્યું કે, રાજીવ ગાંધીની સરકાર વખતે 1 રૂપિયો મોકલતા હતા તો નીચે આવતા સુધી 15 પૈસા થઈ જતા હતા. આજે મોદી સરકાર જેટલા રૂપિયા મોકલે છે તેટલા જનતા સુધી પહોંચે છે.
ભાજપને ફરી એકવાર જંગી મતે જીતાડવા આહ્વાન કર્યું
આગામી 28 ફેબ્રુઆરીએ ચૂંટણીમાં ભારે મતદાન કરી ભાજપને ફરી એકવાર જંગી મતે જીતાડવા આહ્વાન કર્યું હતું. આજે ગુરુવારે આણંદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ ભાજપના ગઢ સમાન ખંભાતમાં કેન્દ્રીય પ્રધાન પુરૂષોત્તમ રૂપાલાએ જાહેર સભા સંબોધી હતી. ખંભાતમાં પુરૂષોત્તમ રૂપાલાએ પોતાની આગવી શૈલીમાં જણાવ્યું હતું કે, મહાનગરપાલિકાઓમાં કોંગ્રેસના સુપડા સાફ કર્યાં છે. તેમજ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં પણ કોંગ્રેસના સુપડા સાફ કરવાના છે અને એ મારી ખંભાતની જનતા તે કરશે તેવો મને વિશ્વાસ છે.