- ખેડૂત આગેવાન રાકેશ ટિકૈત પહોંચ્યા કરમસદ
- બસ સ્ટેન્ડ પાસે સરદાર સ્મારકને કર્યા ફુલહાર
- સરદાર વલ્લભભાઈ પટેલના ઘરે ટ્રેક્ટરમાં પહોંચ્યા
આણંદ: છેલ્લા લાંબા સમયથી દેશની રાજધાની દિલ્હીની બોર્ડર પર નવા કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતો આંદોલન કરી રહ્યા છે. પંજાબ અને હરિયાણાના ખેડૂતો દ્વારા ચાલુ કરવામાં આવેલા આ આંદોલનને હવે રાષ્ટ્ર વ્યાપી સ્વરૂપ આપવા ખેડૂત આગેવાનો દ્વારા દેશમાં પ્રવાસ શરૂ કરવામાં આવ્યો છે. ત્યારે ખેડૂત આગેવાન રાકેશ ટિકૈત આજે સોમવારે સરદાર પટેલના ગામ કરમસદ મુકામે આવી પહોંચ્યા હતા.
રાકેશ ટિકૈત કરમસદ સરદાર પટેલના નિવાસ સ્થાનની મુલાકાતે
રાકેશ ટિકૈત અમદાવાદ સાબરમતી આશ્રમથી સીધા કરમસદ સરદાર પટેલના નિવાસ સ્થાનની મુલાકાતે આવ્યા હતા. ત્યારે તેમની સાથે પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલા સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. સરદાર પટેલના ગામ કરમસદ આવી પહોંચેલી આ રેલીએ પ્રથમ કરમસદ બસ સ્ટેન્ડ પાસે આવેલી સરદાર પટેલની પ્રતિમાને શ્રધ્ધા સુમન સાથે સુતરની આંટી અને ખેડૂતોનો લીલો ખેસ અર્પણ કર્યા હતો. બાદમાં ટ્રેક્ટર પર સવાર થઈને પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલા અને રાકેશ ટિકૈત સરદાર પટેલના ગૃહની મુલાકાતે નીકળ્યા હતા. ત્યારે કરમસદ ગામવાસીઓએ આ રેલી પર પુષ્પ વર્ષા કરી ખેડૂત આગેવાનનું ખેડૂત નેતાના ગામમાં સ્વાગત કર્યું હતું.