પેટલાદ નગરપાલિકાની હદ વિસ્તારમાં આવતા ગેરકાયદેસર બાંધકામનો પહેલા સર્વે કરી દબાણકર્તાઓને જરૂરી સૂચના આપવામાં આવી હતી. અવાર-નવાર નોટિસ આપ્યા બાદ પણ દબાણકર્તાઓ દ્વારા દબાણ દૂર ન કરાતાં રવિવારે પેટલાદ નગરપાલિકાના ચીફ ઓફિસર અને તમામ અધિકારીઓની હાજરીમાં આ દબાણોને દૂર કરવા માટે તજવીજ હાથ ધરાઈ હતી.
પેટલાદ નગરપાલિકાએ હાથ ધરી 'દબાણ હટાવો' ઝૂંબેશ, ગેરકાયદેસર બાંધકામો સામે કરી લાલ આંખ
આણંદઃ સમગ્ર રાજ્યમાં પરવાનગી મેળવ્યાં વગર ઉભા કરી દેવામાં આવેલા બાંધકામ પર તંત્ર દ્વારા લાલ આંખ કરવામાં આવી છે, ત્યારે પેટલાદ નગરપાલિકા દ્વારા શહેરનાં વિવિધ વિસ્તારોમાં ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. જેમાં વિવિધ વિસ્તારોમાં અગાઉ નોટિસ આપી હોવા છતાં દબાણ દૂર ન કરેલા સ્થળ પર અધિકારીઓની હાજરીમાં દબાણને દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
જેમાં ટીપી સ્કીમ નંબર એકમાં પાર્થ રેસિડેન્સી નામની કોમર્શિયલ સાઈટને અવાર-નવાર જાણ કરેલ હોવા છતાં દબાણ હટાવવા માટે કોઈપણ પ્રકારની કાર્યવાહી ન કરતા ચીફ ઓફિસર સ્થળ પર મુલાકાત લઇ જે તે દબાણને તત્કાલ અસરથી દૂર કરવા માટે તજવીજ હાથ ધરી હતી. જેમાં બિલ્ડર દ્વારા તાત્કાલિક ધોરણે દબાણ દૂર કરવાની લેખિત બાંહેધરી આપવામાં આવી હતી. ત્યારબાદ ચીફ ઓફિસર દ્વારા એક અઠવાડિયાનો સમય આપવામાં આવ્યો હતો.
પેટલાદ નગરપાલિકા ચીફ ઓફિસર હિરલ ઠાકર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, પેટલાદ શહેરમાં અગાઉ સર્વે કરી તમામ દબાણકર્તાઓને જરૂરી સૂચનાઓ નોટિસથી આપી દેવામાં આવી છે. પરંતુ નિયત કરેલ સમયે આ દબાણો દબાણકર્તા દ્વારા દૂર કરવામાં નહીં આવે તો, તમામ દબાણો આ રીતે જ હટાવવા માટે નગરપાલિકા તત્કાલ અસરથી કાર્યવાહી કરશે.