આણંદ જિલ્લાના સોજીત્રા થી આશરે સાત કિલોમીટર દૂર 6 હજારની વસ્તી ધરાવતું "મલાતજ" ગામ આજે ચરોતરમાં મગર મિત્ર ગામ તરીકે ઓળખ પામ્યું છે. તેનું કારણ છે ગામની નજીક આવેલા વૈજનાથ મહાદેવ પાસેનું મહાદેવ તળાવ. જેમાં અંદાજિત ૯૦ કરતા વધારે મગર વસવાટ કરે છે. ચોમાસાની ઋતુમાં જ્યારે ભારે વરસાદના કારણે તળાવ છલકાય છે ત્યારે તળાવના મગર ગામમાં ફરતા પણ નજરે ચડે છે. પરંતુ મહત્વની વાત એ છે કે વિક્રમ સંવત 1455 માં જ્યારે આ ગામ માં વસવાટ થવાનું ચાલુ થયું ત્યારથી આજ સુધી ગામની કોઈપણ વ્યક્તિને કે પશુને મગર દ્વારા કોઇપણ પ્રકારની નુકસાન પહોંચાડવામાં આવ્યું નથી.
ભારતમાં મગરની ત્રણ પેટા જાતિઓ જોવા મળે છે જેમાં મીઠા પાણીના મગર ખારા પાણીના મગર અને ઘડિયાલ મગર નો સમાવેશ થાય છે. મલાતજ ગામના તળાવમાં મોટાભાગના ઘડિયાળ જાતિના મગર વસવાટ કરે છે. માદા મગર દ્વારા તળાવને કાંઠે ઈંડા મૂકવામાં આવે છે તે મલાતજ ગામના બાળકો માટે રમતનું સાધન બની જાય છે. જ્યારે ઈંડામાંથી મગરનું બચ્ચુ બહાર આવે ત્યારે ગામના બાળકો બચ્ચાની સારસંભાળ રાખવાના કામમાં લાગી ગયેલા જોવા મળે છે. સામાન્ય રીતે અન્ય ગામોમાં બાળકો ગલુડિયાઓને રમાડતા નજરે પડે છે ત્યારે મલાતજના બાળકો મગરના બચાઓને રમાડતા નજરે પડે છે.