આણંદ: મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હસ્તે આણંદ શહેરના વિવિધ પ્રકલ્પોનું ઈ-લોકાર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં પૂર્વ વડાપ્રધાન અને ભારત રત્ન અટલ બિહારી બાજપાઈની 55 લાખના ખર્ચે તૈયાર થયેલી નવનિર્મિત કાંસ્ય પ્રતિમાનું ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સાથે બે એસ.ટી.પી. પ્લાન્ટ અને પંડિત દીનદયાળ ઉપાધ્યાય ગરીબ આશ્રય સ્થાનનું લોકાર્પણ કરી શહેરીજનો માટે ખુલ્લુ મુકવામાં આવ્યું હતું.
આણંદમાં CM વિજય રુપાણીએ વિવિધ પ્રકલ્પોનું ઈ-લોકાર્પણ કર્યું આ તકે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર દ્વારા તમામ પ્રકારના વિકાસ કામો, પાણીની સગવડ, રસ્તા, વીજળી, ગટર, કચરાના નિકાલ વગેરે માટે ગ્રાન્ટ આપવામાં આવે છે. વિવિધ યોજનાઓ અંતર્ગત નગરપાલિકાઓને કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે.આણંદ શહેરને પણ ગંદા પાણીના નિકાલ માટે ભૂગર્ભ ગટરની યોજના માટે 148 કરોડના ખર્ચે વ્યવસ્થા ઊભી કરવા માટે ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી. પાંચ કરોડથી વધુના ખર્ચે રસ્તાઓ બનાવવામાં આવી રહ્યા છે. નગરજનોને પીવા માટે શુદ્ધ પાણી મળી રહે તે માટે "નલ સે જળ" યોજના અંતર્ગત પણ લાભ આપવામાં આવશે.પ્રધાનમંત્રી નિધિ યોજના અંતર્ગત મહિલા ઉત્કર્ષ યોજનાના લાભાર્થીઓના બેન્ક ખાતામાં રકમ સીધી જમા થાય છે. આ યોજનામાં આણંદના એક હજારથી વધુ લોકોને લાભ મળ્યો છે. યુવાનોમાં સ્કીલ ઉભી થાય અને તેઓ સ્વરોજગાર મેળવી શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા સ્કીલ ડેવલોપમેન્ટ પ્રોગ્રામ શરુ કરવામાં આવ્યો હોવાનું પણ જણાવ્યું હતું.આ ઈ-લોકાર્પણ અનાવરણ કાર્યક્રમમાં આણંદના સાંસદ મિતેશ પટેલ, જિલ્લા પ્રમુખ મહેશ પટેલ, પાલિકા પ્રમુખ કાંતિભાઈ ચાવડા સહિત શહેરના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.