આણંદ: શહેરમાં ગણેશ ચોકડી પાસે આવેલી સાંઈ ટેકનિકલ ઈન્સ્ટિટયૂટના વિદ્યાર્થીઓ દ્વારા બનાવેલા સ્માર્ટ હાઈવેના પ્રોજેક્ટ થકી, નેચરલ એનર્જીને ઈલેકટ્રીક એનર્જીમાં રૂપાંતરિત કરી તેનો ઉપયોગ વાહનવ્યવહારમાં સરળતાથી કરી શકાય તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.
ભવિષ્યની જરૂરિયાતને પૂર્ણ કરનારો નવો કોન્સેપ્ટ, જાણો શું છે ખાસ? - ઈકોફ્રેન્ડલી સ્માર્ટ હાઈવેનો પ્રોજેક્ટ
આવનારા સમયમાં જ્યારે કુદરતી પેટ્રોલિયમ પેદાશોની અછત સર્જાવાની શક્યતાઓ છે, ત્યારે યાતાયાતની મોટી સમસ્યા સર્જાય તેવી ભીતિ સેવાઈ રહી છે. જેથી આણંદની એક ઈન્સ્ટિટયૂટના વિદ્યાર્થીઓ દ્વારા ઈકોફ્રેન્ડલી સ્માર્ટ હાઈવેનો પ્રોજેક્ટ બનાવવામાં આવ્યો છે.
વિદ્યાર્થીઓ દ્વારા વિકસાવેલા આ નવતર પ્રયોગમાં સોલાર એનર્જી અને વિન્ડ એનર્જીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. કહેવાય છે કે, આવનારા સમયમાં વાહન વ્યવહાર ઈલેકટ્રીક સાધનો થકી સંભવ બનશે, ત્યારે સાધનોને ઈલેકટ્રીક પાવરની વધુ જરૂર ઉભી થશે.
આ વિદ્યાર્થીઓએ આવનારા સમયની જરૂરિયાતને સમજીને સૂર્ય ઉર્જા અને પવન ઉર્જાને, વિદ્યુત ઉર્જામાં રૂપાંતરિત કરી સ્માર્ટ હાઈવેનો કોન્સેપ્ટ પ્રોજેક્ટ બનાવ્યો છે. આ હાઈવેમાં વિદ્યુત સાધનોને રિચાર્જ કરવાના સ્ટેશન, સેન્સર્સ, રોડ લાઈટ, ઈમરજન્સી એલાર્મ એલર્ટ, કંટ્રોલ સેન્ટર વગેરેને આવરી લેનારૂં એક સુઆયોજિત તંત્રનું નિર્માણ કરવામાં આવ્યું છે.