આણંદ: ભારતીય પરંપરામાં મગને આહારમાં મહત્વ આપવા પાછળ અનેક કારણો જવાબદાર છે. જેમાં મગમાં રહેલા આયર્ન અને પ્રોટીનનો ગુણધર્મ તથા તેના શરીરમાં અનેક ફાયદા થાય છે. મગ ત્વચા અને પાચન શક્તિમાં પણ વધારો કરે છે. આ ઉપરાંત મગનો ઉપયોગ અનેક વાનગીઓમાં પણ થાય છે.
પ્રોટીન અને આયર્નથી ભરપૂર મગના પાક પર આસમાની આફત આણંદ જિલ્લાના તારાપુર પંથકમાં મગનું વિપુલ પ્રમાણમાં વાવેતર કરવામાં આવ્યું હતું. જે પાક જૂન મહિનાના મધ્યમાં તૈયાર થઈ જતો હોય છે, પરંતુ નિષર્ગ વાવાઝોડાના કારણે ચરોતરમાં આવેલા કમોસમી વરસાદના કારણે આ પાકને ખૂબ નુકસાન થયું છે.
તારાપુર પંથકમાં અંદાજે 1000 વિઘા જમીનમાં મગનું વાવેતર કરવામાં આવ્યું હતું. ચાલુ વર્ષે પરિસ્થિતિ સાનુકૂળ રહેવાના કારણે મગનું ઉત્પાદન પણ વિપુલ પ્રમાણમાં થવાની સંભાવનાઓ સેવાઈ રહી હતી, પરંતુ કમોસમી વરસાદના કારણે મગના મહત્તમ પાકને ભારે નુકસાન થયું છે. બુધેજના ખેડૂત સદ્દામ મલેકએ ETV BHARATને જણાવ્યું કે, વરસાદના કારણે ખેડૂતોને મગની ખેતીમાં ભારે નુકસાન થયું છે. ચાલુ વર્ષે પાણી સારૂં મળ્યું હોવાથી સારી માત્રમાં મગનું ઉત્પાદન થવાની શક્યતા હતી, પરંતુ વરસાદના કારણે તૈયાર થઈ ગયેલા મગના પાકમાં કોવારો(સડો) લાગી ગયો હતો. જેથી ખેડૂતોને આર્થિક નુકસાન વેઠવું પડ્યું છે.
આણંદ જિલ્લાના ખેતીવાડી અધિકારી ચિરાગ પટેલના જણાવ્યા અનુસાર જિલ્લામાં 600 હેક્ટર જેટલી જમીનમાં મગનું વાવેતર કરવામાં આવ્યું હતું. તારાપુર APMCના વેપારીએ ETV BHARAT સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, તારાપુરના ખેડૂતોને આ ત્રીજી સીઝન વરસાદમાં નિષ્ફળ નીવડી છે. પહેલા ડાંગર બાદમાં ઘઉં, બાજરી અને હવે મગ-જુવારની ખેતીમાં વરસાદના કારણે નુકસાન થવાથી ખેડૂતો આર્થિક બેહાલ બન્યા છે. ચાલુ વર્ષે વરસાદમાં ખેડૂતોને પ્રતિ મણ મગના ભાવમાં 500થી 600 રૂપિયાનું આર્થિક નુકસાન થશે.
ખેડૂતો દ્વારા પરસેવો પાડી ખેતી કરવામાં આવે છે, ત્યારે ધરતીપુત્રો પર આવી પડેલી આસમાની આફત થકી ચરોતર અને ભાલ પંથકના ખેડૂતોની હાલત કફોડી બની છે. આવા સમયે સરકાર દ્વારા પડેલા આ બેવડા માર વચ્ચે કોઈ યોગ્ય નિર્ણય લેવામાં આવે અને ખેડૂતોને પુનઃ પગભર કરવા નવી યોજનાઓ અમલમાં મૂકવામાં આવે, તેવી માગ ખેડૂતો કરી રહ્યા છે.