મળતી માહિતી અનુસાર ગોરેલ ગામે આવેલી પ્રાથમિક શાળામાં જયંતિભાઈ તળપદાનો પુત્ર હાર્દિક વર્ષીય ધોરણ 3માં અભ્યાસ કરતો હતો. જ્યારે તેનો મિત્ર પીન્ટુ રાજુ તળપદા વર્ષીય 9 ધોરણ4માં અભ્યાસ કરતો હતો. બન્ને મિત્રો સાંજના 5 વાગ્યે સ્કૂલમાંથી છૂટ્યા બાદ ચાલતા-ચાલતા ઘર તરફ જતા હતા. જે દરમ્યાન નજીકમાં આવેલા ખેતરમાં ઉગાડેલા ચંપાના ઝાડ પરથી ફુલ તોડવા માટે બન્ને ગયા હતા. જ્યાં વીજ પોલ પરથી લેવામાં આવેલા વીજ તારના કારણે કરંટ લાગવાથી હાર્દિકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યુ મોત નિપજ્યુ હતુ, જ્યારે પીન્ટુ ગંભીર રીતે દાઝી જતા તેને તુરંત જ સારવાર માટે બોરસદની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.
બોરસદમાં વીજ કરંટ લાગતા 7 વર્ષીય વિદ્યાર્થીનું મોત, એક ગંભીર - બોરસદ
આણંદઃ જિલ્લાના બોરસદ તાલુકાના ગોરેલ ગામની લક્ષ્મણપુરા સીમમાં ગુરુવાર સાંજે સુમારે સ્કૂલ છુટ્યા બાદ ઘરે જતા બાળકો પૈકી 2 બાળકો વીજ પોલને અડી જતા એકનું ઘટનાસ્થળે કમકમાટીભર્યુ મોત નિપજયુ હતુ. જ્યારે બીજા બાળકને ગંભીર ઈજાઓ થતા તેને તુરંત જ સારવાર માટે બોરસદની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. આ અંગે વીરસદ પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી હતી.
ઘટનાની જાણ વીરસદ પોલીસને થતાં જ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી. અને મૃતક બાળકના મૃતદેહનો કબજો લઈને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલ ખાતે મોકલી આપવામાં આવ્યો હતો. ખેતર માલિકની બેકાળજીને કારણે વિદ્યાર્થીનું મોત થયાની ચર્ચાએ ગામમાં વેગ પકડયો હતો.
આ ઘટના પાછળ ખેતર માલિકની નિષ્કાળજી જવાબદારી હોવાનુ ગામમાં ચર્ચાઈ રહ્યુ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ખેતર માલિક દ્વારા કૂવા પાસે અજવાળુ રહે તે માટે ખેતરની વાડ પાસે ખાનગી વીજ પોલ ઊભો કરવામાં આવ્યો હતો. જ્યાંથી ખેતરની વાડમાં કરંટ ઉતરી રહ્યો હતો અને વરસાદી વાતાવરણ હોવાને કારણે કરંટ ઉતરતા બન્ને બાળકોને વીજ કરંટ લાગ્યો હતો. જો કે, વીરસદના PSI આઈ. એન. ઘાસુરાએ જણાવ્યુ હતુ કે આવું કંઈ નથી અને સમગ્ર ઘટના અંગે GEB ના અધિકારીઓ સાથે તપાસ કરી રહ્યા છે અને વધુ માહિતી તપાસ પૂર્ણ થયા બાદ જ મળી શકશે તેમ જણાવ્યુ હતું.