- તારાપુર ઇન્દ્રણજ દુરાવેટ ફેકટરી પાસે ગમખ્વાર અકસ્માત
- ઇકો ગાડી ટ્રક નીચે ઘૂસી જતા 9 લોકોના મોત
- ગાડી તારાપુરથી વટામણ તરફ જઈ રહી હતી
આણંદ:તારાપુર પાસે આજે બુધવારે વહેલી સવારે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં એક ગાડી પર ટ્રક ચડી જતા પાંચ પુરુષ બે મહિલા અને બે બાળકો સહિત 9 લોકોના ઘટના સ્થળે કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા.
સુરતથી સૌરાષ્ટ્ર તરફ જઈ રહેલી ઇકો ગાડીને તારાપુર ચોકડી નડ્યો અકસ્માત
આણંદ જિલ્લામાંથી પસાર થતા વાસદ બગોદરા હાઇવે દક્ષિણ ગુજરાતને સૌરાષ્ટ્ર સાથે જોડતો એક માત્ર માર્ગ છે. તેવામાં છેલ્લા ઘણા વર્ષોથી આ હાઇવેનું નવીનીકરણનું કામ ચાલી રહ્યું છે. જેના કારણે આ માર્ગ પર ઘણા લોકો એ માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. આ ઘટનાઓની યાદીમાં અત્યાર સુધીનો સૌથી કરુણ અકસ્માત બુધવારે વહેલી સવારે ઇન્દ્રનજ પાસે થયો હતો. સુરતથી સૌરાષ્ટ્ર તરફ જઈ રહેલી ઇકો ગાડીને તારાપુર ચોકડીથી હજુ ઇન્દ્રનજ પાસેથી બુધવારે વહેલી સવારે 6 વાગ્યાના અરસામાં પસાર થતા સમયે ભયાનક અકસ્માત નડ્યો હતો. અકસ્માતમાં સામેથી આવતો ટ્રક ઇકો ગાડી પર ફરી વળ્યો હતો અને જોતજોતામાં ગાડીમાં સવાર 9 જેટલા લોકોના પ્રાણ ઉડી ગયા હતા.