રાજુલામાં ઔદ્યોગિક અને પીપાવાવ પોર્ટ પર સિંહોના ગ્રૃપ, વિડીયો વાયરલ અમરેલી : રાજુલાથી શરૂ કરીને છેક પાલીતાણા સુધી બૃહદ ગીર વિસ્તાર તરીકે ઓળખાય છે. આ વિસ્તારમાં પાછલા કેટલાક વર્ષોથી સિંહોની સતત અવર જવર જોવા મળે છે. બૃહદગીર વિસ્તારમાં 50 કરતાં વધુ સિંહોની હાજરી સતત નોંધાતી જોવા મળે છે. તેમાં પણ દર વર્ષે વધારો થઈ રહ્યો છે. સિંહોની સંખ્યામાં વધારો ખૂબ સારા સમાચાર છે, પરંતુ સિંહો રહેણાંક અને ઔદ્યોગિક એકમોમાં પ્રવેશ તેની સુરક્ષાને લઈને હવે ચિંતા ઉભી કરી રહ્યો છે, ત્યારે રાજુલાના ઔદ્યોગિક એકમો નજીક સિંહનું એક ગ્રુપ સતત જોવા મળી રહ્યું છે. તેમજ પીપાવાવ પોર્ટ પર બે દિવસ પૂર્વે જ એક પુખ્ત નર સિંહ રહેણાંક વિસ્તારમાં પણ જોવા મળ્યો હતો.
આ પણ વાંચો :World Wildlife Day 2023: સાસણ ગીરમાં માતા સાથે મસ્તી કરતાં 2 બાળસિંહનો વીડિયો આવ્યો સામે
સિંહોની સુરક્ષા ની માંગ :પશુ પ્રેમીઓએ સિંહની સુરક્ષાને લઈને વન વિભાગ કોઈ નક્કર કાર્યવાહી કરે તેવી માંગ કરી છે. જે પ્રકારે સિંહો ઔદ્યોગિક એકમો અને પીપાવાવ પોર્ટ વિસ્તારમાં જોવા મળે છે. જેને કારણે સિંહોની સુરક્ષા પર ખતરો વધી જશે તેવી ચિંતા પણ વ્યક્ત કરી છે. ભૂતકાળના અનુભવો પરથી સ્પષ્ટ છે કે ઉનાળા દરમિયાન ટ્રેન અને માર્ગ અકસ્માતમાં સિંહ મોતને ભેટ્યા છે, ત્યારે ફરી એક વખત ઉનાળાના પ્રારંભના દિવસોમાં જ સિંહો રાત્રિના સમયે જાહેર માર્ગ પર જોવા મળી રહ્યા છે. વન વિભાગ સિંહની સુરક્ષાને લઈને ખાસ કરીને બૃહદ ગીર વિસ્તારમાં કોઈ નક્કર આયોજન કરે તો સિંહ સંભવિત અકસ્માતનો ભોગ બનતા બચી શકે છે. જો આ જ પ્રકારે સિંહો ઔદ્યોગિક એકમો અને જાહેર માર્ગો પર જોવા મળશે. તો આગામી દિવસોમાં કોઈ માઠા સમાચાર પણ સામે આવી શકે છે.
આ પણ વાંચો :Viral Video: આખલાએ સિંહ સામે દેખાડ્યો દમ, ક્યારેક તો વનરાજાએ પણ ભાગવું પહે હો!
ખોરાક અને પાણી માટે બહાર આવે છે સિંહ :આ વિસ્તારમાં અભયારણ્ય કે જંગલ જોવા મળતું નથી, પરંતુ રેવન્યુ વિસ્તારમાં જે બાવળોના જંગલ છે. તેમાં સિંહો આશ્રય સ્થાન બનાવીને પાછલા એક દસકાથી જોવા મળે છે. ધીમે ધીમે તેની સંખ્યા વધી રહી છે, ત્યારે આ વિસ્તારમાં પ્રાકૃતિક કે કુદરતી રીતે ખોરાક અને પાણીની ખાસ કરીને ઉનાળાની ઋતુ દરમિયાન વ્યવસ્થા જોવા મળતી નથી. જેને કારણે સિંહ પાણી કે ખોરાકની શોધમાં રાત્રિના સમયે બૃહદગીર વિસ્તારમાં ફરતા જોવા મળે છે. પાછલા કેટલાક દિવસો દરમિયાન સોશિયલ મીડિયામાં આ જ પ્રકારના વિડીયો વાયરલ થયા હતા. જેમાં સિંહનું એક ગ્રુપ સિમેન્ટ ફેક્ટરી સહિત પોર્ટ વિસ્તારમાં જોવા મળે છે. જે ખોરાક કે પાણીની શોધમાં અહીં સુધી આવી ચડ્યું હશે તેવું માની શકાય છે. હાલ તે વિડીયો સામે આવ્યા તેની ETV Bharat પુષ્ટિ કરતું નથી