અમદાવાદ એરપોર્ટ પર જોરદાર ચહેલપહેલ અમદાવાદ :અમદાવાદમાં 19મી એ ક્રિકેટની ફાઇનલ મેચ યોજાવાની છે જેને લઇને કરોડો ક્રિકેટ પ્રેમીઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ફાઇનલ મેચ પર આખી દુનિયાની નજર છે. ત્યારે દેશ અને વિદેશ મથી ફાઇનલ મેચના મહા મુકાબલાના પ્રત્યક્ષ સાક્ષી બનવા 100થી વધુ વીવીઆઇપી આવી રહ્યા છે.
ભારે ઉત્સાહવીવીઆઈપી મહેમાનોમાં 8 થી વધુ રાજ્યોના સીએમ, પીએમ, ગૃહ રાજ્ય મંત્રી, યુ.એચ.એમ. સહિત ફિલ્મી કલાકાર અને ઉદ્યોગકારો મેચના પ્રત્યક્ષદર્શી બનશે. ત્યારે હાલ તો ભારતની ફાઇનલ મેચને લઈને સુરક્ષા બંદોબસ્તમાં વ્યસ્ત પોલીસ સહિત લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
વર્લ્ડ કપની પૂર્ણાહુતિ : જોકે ગુજરાતના આંગણે વર્લ્ડ કપની શરૂઆત સાથે ફાઇનલ મેચના અંત સુધીની સફરમાં વર્લ્ડ કપની રોમાંચ સાથે પૂર્ણાહુતિ થશે જેના સાક્ષી લાખો ક્રિકેટપ્રેમીઓ બનશે. આવતીકાલે અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં લાખોની જનમેદની વચ્ચે ટીમ ઇન્ડિયાની ઓસ્ટ્રેલિયા સાથે ફાઇનલ મેચ યોજાશે ત્યારે અમદાવાદ એરપોર્ટ પર હાલ સેલિબ્રિટીઓના આગમનને લઇ મેળો જોવા મળી રહ્યો છે.
કેરળ હાઈકોર્ટના જજ પણ આવ્યાં : હાલ કેરળમાં હાઇકોર્ટ જજ આશિષ દેસાઈ સહિત કેરળના જજ વર્લ્ડ કપ મેચ નિહાળવા આવી પહોંચ્યા છે. હિન્દી કૉમેન્ટેટર જતીન સપ્રુ સહિત વિવેક ઓબેરોય, આદિત્ય પંચોલી જેવા ફિલ્મી સિતારાઓ સહિત રોજર બિન્ની જેવી હસ્તીઓ પણ એરપોર્ટ આવતાં જોવા મળ્યાં હતાં. તો ઓસ્ટ્રેલિયન ટીમને સપોર્ટ કરવા માટે ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન ક્રિકેટર એડમ ગિલક્રિસ્ટ, મેથ્યુ હેડન, વોટસન જેવા ખેલાડીઓ પણ અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચ્યા હતાં.
સેલિબ્રિટીઝનું એરપોર્ટ આગમન નિહાળવા ભીડ: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આવતી કાલે વર્લ્ડ કપની ફાઇનલ મેચનો જંગ છે તેવામાં આજે અમદાવાદ એરપોર્ટ પર દેશ તથા વિદેશની હસ્તીઓ સાથે ફિલ્મી સિતારાઓ અને ભારતના દિગ્ગજ બિઝનેસમેન પણ અમદાવાદમાં આવી પહોંચ્યા છે. આવતીકાલે 19 નવેમ્બરે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ફાઇનલ મેચને લઈને સમગ્ર દેશ સહિત વિદેશમાં પણ રોમાંચનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે આ રોમાંચક મેચ માણવા લાખોની સંખ્યામાં ક્રિકેટપ્રેમીઓ અમદાવાદ પહોંચી રહ્યા છે અને આવતીકાલે બંને ટીમોને સપોર્ટ કરવા જંગ જામશે.અમદાવાદ એરપોર્ટ પર એક પછી એક સેલિબ્રિટી આવી રહ્યા છે ત્યારે એરપોર્ટ પર તેમને નિહાળવા લોકોની મોટી ભીડ પણ જોવા મળી રહી છે.
- પશ્ચિમ રેલવે મુંબઈ અને અમદાવાદ વચ્ચે વધારાની સુપરફાસ્ટ વિશેષ ટ્રેનો ચલાવશે
- આઈસીસી વર્લ્ડ કપ 2023: રોહિત શર્મા અને પેટ કમિન્સે અડાલજની વાવ ખાતે કરાવ્યું ફોટો શૂટ