અમદાવાદના ધોળકા તાલુકાના વૌઠા ગામે કનુભાઈ તેમના માતા -પિતા અને મોટાભાઇ સાથે રહે છે.કનુભાઇના વર્ષ 2005માં ગુણવંતી સાથે લગ્ન થયા હતા.લગ્ન બાદ લગ્ન જીવન સારી રીતે ચાલી રહ્યું હતું પરંતુ વર્ષ 2012માં કાનુભાઈની પત્ની ગુણવંતી અચાનક જ પિયરમાં તેના ભાભીની પ્રસુતિ છે તેમ કહીને ચાલી ગઈ હતી.થોડા સમય બાદ કનુભાઈએ પત્નીને પરત લાવવા ફોન કર્યો હતો ત્યારે થોડા સમયમાં આવીશ તેવું કહીને વાત ટાળી હતી.પરંતુ ત્યારબાદ કનુભાઈના પિતાની તબિયત લથડતા ફરી એક વાર ગુણવંતીને ફોન કરીને પરત લાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તે પરત ફરી ન હતી.
અનેક વખત ગુણવંતીને કનુભાઈ દ્વારા પરત લાવવાના પ્રયત્ન કરવામાં આવ્યા હતા પરંતુ તેઓ પરત આવ્યા ન હતા.આ દરમિયાન અચાનક ગુણવંતીએ કહ્યું કે તેમને તેમના સાસરીમાં જવું છે પરંતુ સાસરીપક્ષ દ્વારા તેમને સ્વીકારવામાં આવતા નથી.આમ પતિ અને અન્ય પરિવારજનો વિરુદ્ધ કલમ 498 મુજબ ફરિયાદ કરી હતી અને ભરપોષણની માંગણી કરી હતી.આ દરમિયાન કનુભાઈના માતા-પિતા 3 મહિનાના સમયગાળામાં ગુજરી ગયા હતા.જેમાંથી તેમની માતાને કનુભાઈ પર થયેલા ફરિયાદનો આઘાત લાગતા ગુજરી ગયા હતા તેવું કનુભાઈએ જણાવ્યું હતું.