ગુજરાત

gujarat

By

Published : Mar 10, 2021, 4:19 PM IST

Updated : Mar 10, 2021, 9:58 PM IST

ETV Bharat / state

ભારતમાં ક્રોનિક કિડની ડિસીઝનું સૌથી મોટું કારણ છે વજનવધારો

ફાસ્ટ લાઈફના આ યુગમાં આપણે જોઈએ છીએ કે ઘણાં બધા પ્રકારના રોગ જોવા મળે છે, જેમાં કેન્સર, હદયરોગ, પેટના રોગ અને અન્ય રોગો થાય તો ઘણી બધી તકલીફોનો સામનો કરવો પડે છે. આપણા શરીરના મુખ્ય અંગો જેવા કે હ્રદય, ફેફસાં, મગજ અને બીજા મહત્વપૂર્ણ ઘણાં અંગોની સાથે આપણા શરીરમાં ફિલ્ટરનું કામ કરતા અંગ કે જેને આપણે કિડની તરીકે ઓળખીએ છીએ. તેના રોગ પણ વધી રહ્યાં છે.

ડાયાલિસિસની સરખામણીમાં કિડની ટ્રાન્સપ્લાન્ટેશનના દર્દીઓ લાંબુ જીવે છે
ડાયાલિસિસની સરખામણીમાં કિડની ટ્રાન્સપ્લાન્ટેશનના દર્દીઓ લાંબુ જીવે છે

  • શરીર માટે જરૂરી બધુ કામ એક કિડનીની મદદથી ચાલી શકે
  • ડાયાલિસિસની સરખામણીમાં કિડની ટ્રાન્સપ્લાન્ટેશનના દર્દીઓ લાંબુ જીવે છે
  • પુરુષ સ્ત્રીને કે સ્ત્રી પુરુષને કિડની આપી શકે છે
  • વિકસિત દેશોમાં “બ્રેઈન ડેથ” થયેલી વ્યક્તિની કિડની (કેડેવર) ટ્રાન્સપ્લાન્ટેશન કરવામાં આવે છે

અમદાવાદઃ 11 માર્ચના દિવસને વર્લ્ડ કિડની દિવસ તરીકે ઉજવવામાં આવે છે. કિડનીની બિમારીથી દર વર્ષે લગભગ 8,50,000 લોકોના મોત થાય છે. આ વાતથી લગભગ બધા અજાણ હશે. આ બિમારીનું સૌથી મોટું કારણ ખરાબ લાઈફસ્ટાઈલ છે. આમાં ધીમે ધીમે કિડની કામ કરવાનું બંધ કરી દે છે. રિપોર્ટ્સમાં જણાવવામાં આવ્યું છે કે, ભારતમાં ક્રોનિક કિડની ડિસીઝનું સૌથી મોટું કારણ વજનવધારો છે. પેટની ચરબી ભારતીય લોકોમાં બહુ સામાન્ય બાબત છે. એક અભ્યાસ અનુસાર, 48 ટકા પુરૂષો અને 63 ટકા મહિલાઓની કમર માનકથી વધુ છ જેનાથી કિડનીની બિમારીનો ખતરો વધે છે. ક્રોનિક કિડની ડિસીઝ સાથે મોટી સમસ્યા એ છે કે, શરૂઆતમાં તેના લક્ષણોનો ખ્યાલ આવતો નથી.

ભારતમાં ક્રોનિક કિડની ડિસીઝનું સૌથી મોટું કારણ છે વજનવધારો

બિમારી એડવાન્સ સ્ટેજ પર પહોંચી જાય ત્યારે...

જ્યારે આ બિમારી એડવાન્સ સ્ટેજ પર પહોંચી જાય ત્યારે તેના લક્ષણો દેખાય છે. જેમાં થાક, નબળાઈ, પેશાબમાં બળતરા, સોજા, વારંવાર જાજરૂ જવુ પડે, પીઠમાં દુઃખાવો, ભૂખ ન લાગવી, ઉલ્ટી-ઉબકા આવવા, ખંજવાળ અને શરીરે રેશીસ થવા જેવા લક્ષણો વર્તાય છે. વધુ વજન સિવાય કિડની ફેલ થવાનું બીજું મુખ્ય કારણ ડાયાબીટીસ છે. એ સિવાય હાઈ બ્લડ પ્રેશર પણ કિડની ફેલ થવાનું કારણ છે. આ સિવાય આ પણ છે કે કિડની ફેલ થવાના કારણમાં ઓટોઈમ્યૂન ડિસીઝ, જિનેટીક ડિસીઝ જેવા કે પોલિસિસ્ટિક કિડની ડિસીઝ, નેફ્રોટિક સિન્ડ્રોમ, યૂરિનરી ટ્રેક્ટ પ્રોબ્લેમ વગેરે છે. ક્યારેક કિડની અચાનક કામ કરવાનું બંધ કરી દે છે. આ રીતે કિડની ફેલ થવાને એક્યુટ કિડની ઈન્જરી કે એક્યૂટ રિનલ ફેલ્યોર કહેવામાં આવે છે. તેના માટે હાર્ટ એટેક, ડ્રગ્સના ઉપયોગ, કિડની સુધી લોહી ના પહોંચવું અને યુરીનરી ટ્રેક્ટ પ્રોબ્લેમ જવાબદાર છે. મહિલાઓને કિડની રોગનો વધુ ખતરો છે. કેમ કે, કિડનીના રોગનો સીધો સંબંધ વધુ વજન, ડાયાબિટીસ, કાર્ડોયોવસ્કુલર ડિસીઝ અને હાઈપર છે. આ બધા કારણોસર ક્રોનિક સ્ટેજની બિમારીને પ્રોત્સાહન મળે છે. જેથી મહિલાઓને આનો ખતરો વધુ છે.

આ પણ વાંચોઃસુરતના 69 વર્ષીય બ્રેનડેડ બાએ મૃત્યુ બાદ અંગો દાન કરી પાંચ લોકોને જીવનદાન આપ્યું

કિડનીની જરૂરિયાત અને અગત્યતા શું છે ?

દરેક વ્યક્તિ દ્વારા લેવામાં આવતા ખોરાકના પ્રકાર અને તેની માત્રામાં હંમેશા ફેરફાર થતો રહે છે. ખોરાકની વિવિધતાને કારણે તે સાથે શરીરમાં ઉમેરાતા પ્રવાહી, ક્ષાર અને જુદા જુદા એસીડીક તત્વોની માત્રામાં પણ ફેરફાર થાય છે. ખોરાકના પોષક તત્વોના પાચન અને ઉપયોગ દરનિયાન કેટલાક બિનજરૂરી પદાર્થો શરીરમાં ઉત્પન્ન થાય છે. શરીરમાં પ્રવાહી, ક્ષારો, રસાયણો અને ઉત્સર્ગ પદાર્થોમાં થતો વધારો કે ફેરફાર વ્યક્તિ માટે જીવલેણ બની શકે છે. કિડની પેશાબ દ્વારા બિનજરૂરી પ્રવાહી, ક્ષાર અને એસીડ આલ્કલીનું નિયમન કરે છે. લોહીમાંના આ પદાર્થોની માત્રા યોગ્ય પ્રમાણમાં રાખી કિડની શરીર તંદુરસ્ત રાખે છે.

  • કિડનીના મુખ્ય કાર્યો ક્યાં ક્યાં છે

લોહીનું શુધ્ધીકરણ

કિડની સતત કાર્યરત રહી શરીરમાં બનતા બિનજરૂરી અને ઝેરી પદાર્થોને પેશાબ દ્વારા દુર કરે છે.

પ્રવાહીનું સંતુલન કરે છે

કિડની શરીર માટે જરૂરી પ્રવાહી જાળવી વધારાનું પ્રવાહી પેશાબ વાટે દૂર કરે છે.

ક્ષારનું નિયમન કરે છે

કિડની શરીરમાં સોડીયમ, પોટેશિયમ, ક્લોરાઈડ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, બાયકાર્બોનેટ વગેરેની માત્રા જાળવવાનું કાર્ય કરે છે. સોડિયમની વધઘટ મગજ પર અને પોટેશિયમની વધઘટ હૃદય અને સ્નાયુની કામગીરી પર ગંભીર અસર કરી શકે છે.

લોહીના દબાણ પર કાબુ રાખે છે

કિડની કેટલાક હોર્મોન એન્જિયોટેન્સીન, આલ્ડોસ્ટીરોન, પ્રોસ્ટાગ્લેન્ડીન વગેરે તથા પ્રવાહી અને ક્ષારના યોગ્ય નિયમનથી લોહીના દબાણને સામાન્ય રાખવામાં અગત્યનો ભાગ ભજવે છે.

રક્તકણના ઉત્પાદનમાં મદદ કરે છે

લોહીમાંના રકતકણોનું ઉત્પાદન હાડકાના પોલાણમાં થાય છે. આ ઉત્પાદનના નિયમન માટે આવશ્યક પદાર્થ એરીથ્રોપોએટીન કિડનીમાં બંને છે. કિડની ફેલ્યરમાં આ પદાર્થ ઓછા અથવા ન બનતા, રક્તકણનું ઉત્પાદન ઘટીજાય છે અને લોહીમાં ફિક્કાશ આવી જાય છે એટલે કે એનીમિયા થાય છે.

હાડકાંની તંદુરસ્તી માટે વિટામિન ડી મહત્વનો ભાગ ભજવે છે

કિડની સક્રિય વિટામિન ડી બનાવવામાં મદદ કરે છે. આ વિટામિન ડી શરીરમાંના કેલ્શિયમ અને ફોસ્ફરસનું નિયત પ્રમાણ જાળવી હાડકા તથા દાતના વિકાસ અને તંદુરસ્તીમાં મહત્વનો ભાગ ભજવે છે.

કિડની ટ્રાન્સપ્લાન્ટેશન એટલે શું?

ક્રોનિક કિડની ફેલ્યર હોય તેવી વ્યક્તિમાં,અન્ય વ્યક્તિ જીવિત અથવા મૃતમાંથી મેળવેલી એક તંદુરસ્ત કિડની મૂકવાના ઓપરેશનને કિડની ટ્રાન્સપ્લાન્ટેશન કહે છે.

કિડની બેસાડવાની જરૂર ક્યારે ના પડે?

કોઈ વ્યક્તીની બેમાંથી એક કિડની બગડી ગઈ હોય તો શરીર માટે જરૂરી બધુ કામ એક કિડનીની મદદથી ચાલી શકે છે. એક્યુટ કિડની ફેલ્યરમાં દવા અને કેટલીક વખત ડાયાલિસિસની સારવાર થી કિડની ટ્રાન્સપ્લાન્ટેશનની શોધ કિડની ફેલ્યરના દર્દીઓ માટે આશીર્વાદ રૂપ છે કિડની ફરી સંપુર્ણપણે હમેશા માટે કાર્ય કરતી થઇ જાય છે. આવા દર્દીઓમાં કિડની ટ્રાન્સપ્લાન્ટેશનની જરૂર પડતી નથી.

કિડની ટ્રાન્સપ્લાન્ટેશનની જરૂર ક્યારે પડે ?

ક્રોનિક કિડની ફેલ્યરના દર્દી જયારે વધુ કિડની બગડવાથી એન્ડ સ્ટેજ કિડની ફેલ્યરના તબક્કે પહોંચે (કિડની ૮૫% કરતાં વધુ બગડી જાય) ત્યારે નવી કિડની બેસાડવાની અથવા નિયમિત ડાયાલિસિસ કરાવવાની જરૂર પડે છે

કિડની ટ્રાન્સપ્લાન્ટેશન શા માટે જરૂરી છે ?

જયારે કિડની સંપૂર્ણરીતે કે મહદઅંશે કામ કરતી બંધ થઇ જાય ત્યારે ડાયાલિસિસ અને દવાથી દર્દીને રાહત મળે છે પણ કાયમી સુધારો થઇ શકતો નથી. સફળતાપૂર્વક કરવામાં આવેલું કિડની ટ્રાન્સપ્લાન્ટેશન તે ઉત્તમ કક્ષાના જીવન માટેનો એકમાત્ર સંપૂર્ણ અને અસરકારક ઉપાય છે.

કિડની ટ્રાન્સપ્લાન્ટેશનના ક્યાં ક્યાં ફાયદા છે ?

જીવનની ઉચ્ચ ગુણવતા, દર્દી અન્ય સામાન્ય વ્યક્તિની જેમ જીવન જીવી શકે છે, રોજિંદુ કામ કરી શકે છે. ડાયાલિસિસના બંધનથી મુક્તિ મળે છે. ખોરાકમાં ઓછી પરેજી રાખવી પડે છે. ડાયાલિસિસની સરખામણીમાં કિડની ટ્રાન્સપ્લાન્ટેશનના દર્દીઓ લાંબુ જીવે છે. દર્દી શારીરિક રીતે સક્ષમ અને માનસિક રીતે સ્વસ્થ રહે છે. પુરુષોમાં જાતીય સમાગમને લગતા પ્રશ્નો રહેતા નથી, સ્ત્રીદર્દી બાળકને જન્મ પણ આપી શકે છે. પહેલા વર્ષ બાદ સારવારના ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો થઇ જાય છે. સફળ કિડની ટ્રાન્સપ્લાન્ટેશન તે ક્રોનિક કિડની ફેલ્યરની અંતિમ તબક્કાની સારવારનો શ્રેષ્ઠ વિકલ્પ છે.

કિડની ટ્રાન્સપ્લાન્ટેશનના રીજેક્શનનું જોખમ

ટ્રાન્સપ્લાન્ટ કરેલી કિડની મોટા ભાગના દર્દીઓમાં યોગ્ય રીતે કામ કરે છે પરંતુ બધા જ દર્દીઓમાં કિડની સફળતાપૂર્વક કામ કરશે તેની સંપૂર્ણ ખાત્રી આપી શકાય નહી. તબીબી વિજ્ઞાનના વિકાસ સાથે રીજેક્શન અને ચેપની સારવાર માટે વધુ સારી દવાઓની ઉપલબ્ધી સાથે કિડની ટ્રાન્સપ્લાન્ટના પરિણામમાં પહેલા કરતા સુધારો થયો છે. મોટા ભાગે સફળતા મળવા છતાં થોડા દર્દીઓમાં કિડની ફરીથી બગડવાની શક્યતા રહે છે. કિડની ટ્રાન્સપ્લાન્ટેશન બાદ ચોકસાઈપૂર્વક રોજ દવા લેવાની જરૂર પડે છે. આ દવા ખૂબ જ મોંઘી હોય છે અને તે ટૂંકા ગાળા માટે બંધ થાય તો પણ નવી મૂકેલી કિડની ફેઈલ થઇ શકે છે. કિડની ટ્રાન્સપ્લાન્ટેશન બાદ ચેપ, દવાની આડ અસર વગેરે તકલીફોનું જોખમ નોંધપાત્ર રહે છે.

માનસિક તણાવ

કિડની ટ્રાન્સપ્લાન્ટેશનના ઓપરેશનની સફળતા અને સંપૂર્ણ કામ કરતી ટ્રાન્સપ્લાન્ટેડ કિડની બગડી જવાનું જોખમ આ બધાપ્રશ્નોને કારણે ટ્રાન્સપ્લાન્ટેશન પહેલા અને બાદ દર્દીઓમાં માનસિક તણાવ રહે છે.

કિડની ટ્રાન્સપ્લાન્ટેશન ક્યારે સલાહભર્યુ નથી ?

દર્દીની મોટી ઉંમર હોય, એઈડ્સ, કેન્સર, ગંભીર પ્રકારનો ચેપ કે માનસિક રોગ હોઈ કે ગંભીર હ્રદય રોગ થયેલો હોય તેવા સંજોગોમા કિડની ટ્રાન્સપ્લાન્ટેશન જરૂરી હોવા છતાં કરવામાં આવતું નથી. આપણા દેશમા બાળકોમાં ખૂબ ઓછા પ્રમાણમા કિડની ટ્રાન્સપ્લાન્ટેશન કરવામાં આવે છે.

કઈ ઉંમરે કિડની ટ્રાન્સપ્લાન્ટેશન કરાવવું હિતાવહ છે ?

કિડની ટ્રાન્સપ્લાન્ટેશન કરાવવા માટે દર્દીની કોઈ ચોક્કસ ઉંમર હોતી નથી.પરંતુ દર્દીની ઉમર ૧૮થી૫૫ સુધી હોઈ તેવુ સલાહભર્યુ હોઈ છે.

કિડની ટ્રાન્સપ્લાન્ટેશન માટે કિડની ક્યાથી મળી શકે ?

સામાન્ય રીતે ૧૮ થી ૫૫ વર્ષના દાતા પાસેથી કિડની મેળવવામાં આવે છે.પુરુષ સ્ત્રીને કે સ્ત્રી પુરુષને કિડની આપી શકે છે. જોડિયા ભાઈ-બહેન કિડની દાતા તરીકે આદર્શ ગણાય. તેથી દર્દીના માતા-પિતા કે ભાઈ-બહેનને સામાન્યરીતે દાતા તરીકે પસંદ કરવામાં આવે છે. આ દાતા પાસેથી કિડની મળી શકે તેમ ન હોય તો જેની સાથે લોહીનો સબંધ છે એવા કાકા, માસી, કે ફઈની કિડની મેળવી શકાય. વિકસિત દેશોમાં કુટુંબમાંથી કિડની મળી શકે તેમ ન હોય તેવા સંજોગોમાં “બ્રેઈન ડેથ” થયેલી વ્યક્તિની કિડની (કેડેવર) ટ્રાન્સપ્લાન્ટેશન કરવામાં આવે છે.

કિડની ટ્રાન્સપ્લાન્ટેશનમાં કોની કિડની પસંદ કરવામાં આવે છે ?

કિડની ફેઈલ્યરના દર્દીને કોઈ પણ વ્યક્તિની કિડની માફક આવે તેવું નથી. સહુ પ્રથમ કિડની મેળવનાર દર્દી બ્લડગ્રૂપને ધ્યાનમાં લઇ ક્યાં ગ્રુપ ધરાવનારી વ્યક્તિઓ તેને માટે કિડની દાતા બની શકે તે નક્કી કરવામાં આવે છે. કિડની દાતા આપનાર અને કિડની મેળવનારના બ્લડગ્રૂપમાં સામ્યતા હોવી જરૂરી છે. આ ઉપરાંત બન્નેના લોહીમાંના શ્વેતકણોમાં આવેલા પદાર્થો HLAમાં સામ્યતાનું પ્રમાણ વધુ હોવું જોઈએ. HLAનું સમય ટીસ્યુ ટાઈપીંગ નામની તપાસથી જાણી શકાય છે. સફળ કિડની ટ્રાન્સપ્લાન્ટેશન માટે કુટુંબીજનોમાંથી મેળવેલી કિડની શ્રેષ્ઠ પુરવાર થઇ શકે છે.

કોણ કિડની આપી શકે છે ?

કિડનીદાતાએ કિડની આપ્યા પહેલા સામાન્ય રીતે બધી લોહીની તપાસ કરાવેલી હોવી જોઈએ કે કિડની આપવી તેમના શરીર માટે યોગ્ય છે કે નહી જે વ્યક્તિ ને ડાયાબીટીસ, BP વધુ હોવું, કિડનીના રોગો, કેન્સર, એઇડ્સ (HIV) કે અન્ય કોઈ બીમારી કે માનસિક બીમારી હોય તેવા વ્યક્તિઓ કિડની દાતા બની શકતા નથી.

કિડની દાતાને કિડની આપ્યા બાદ તકલીફ પડે ખરી ?

કિડની કાઢતા પહેલા દાતાની શારીરિક તપાસ કરી ખાતરી કરવામાં આવે છે કે તેની બંને કિડની તંદુરસ્ત છે અને એક કિડની આપવાથી તેને કોઈ તકલીફ પડશે નહિ. એક કિડની આપી દીધા પછી દાતાને સામાન્ય રીતે કોઈ પ્રકારની તકલીફ પડતી નથી. તે પોતાની બધી જીવનચર્યા રાબેતા મુજબ ચલાવી શકે છે. ઓપેરશન પછી પુરતો આરામ કાર્ય બાદ તે જરૂરી પરિશ્રમ પણ કરી શકે છે, તેના વૈવાહિક જીવનમાં પણ કઈ વાંધો આવતો નથી. તેની બીજી કિડની બન્ને કિડનીનું બધું કામ સાંભળી લે છે.

પરસ્પર કિડની ટ્રાન્સપ્લાન્ટેશન એટલે શું ?

કેડેવર ટ્રાન્સપ્લાન્ટેશન અથવા ડાયાલિસિસ કરતા જીવિત કિડની દાતા ટ્રાન્સપ્લાન્ટેશનમાં વધુ ફાયદાઓ જોવા મળે છે. એન્ડસ્ટેજ કિડની હેલ્પરના કિડની ટ્રાન્સપ્લાન્ટેશન કરાવવા ઈચ્છતા કેટલાક દર્દીઓને કિડની આપવા દાતા ઉપલબ્ધ હોય છે. પરંતુ બ્લડગ્રુપ મેચ ના થવાને કારણે ટ્રાન્સપ્લાન્ટેશન શક્ય બનતું નથી. પરસસ્પર કિડની ટ્રાન્સપ્લાન્ટેશન એટલે કે કિડની દાતાની કિડની એક્બીજા કુટુંબમાં બદલો કરી કિડની ટ્રાન્સપ્લાન્ટેશન કરવું તે કુટુંબમાંથી દાતાનું મેચ થાય તેવું યોગ્ય બ્લડગ્રુપ ઉપલબ્ધ ના હોય ત્યારે કરવામાં આવે છે. આ પ્રકારના કિડની ટ્રાન્સપ્લાન્ટેશનમાં બે કે તેનાથી વધુ કુટુંબના દાતાઓ પોતાના કુટુંબીજન સિવાયના દર્દીને કિડની દાન કરી અન્ય કુટુંબમાંથી યોગ્ય કિડની પોતાના સ્વજન માટે મેળવે છે. આ રીતે કુટુંબમાં કિડની લાગુ ના પડતી હોય ત્યારે બે કુટુંબને યોગ્ય કિડની મળી શકે છે અને સફળતાપૂર્વક કિડની ટ્રાન્સપ્લાન્ટેશન થઇ શકે છે. પહેલા કુટુંબના દર્દીને બીજા કુટુંબના દાતાથી કિડની લાગુ પડતી હોય અને બીજા કુટુંબના દર્દી માટે પહેલા કુટુંબના દાતાની કિડની યોગ્ય હોય ત્યારે અરસપરસ કિડની ટ્રાન્સપ્લાન્ટેશન કરવામાં આવે છે.

આ પણ વાંચોઃસુરતમાં પહેલીવાર કિડની ટ્રાન્સપ્લાન્ટનું સફળ ઓપરેશન

વહેલાસરનું કિડની ટ્રાન્સપ્લાન્ટેશન એટલે શું ?

સામાન્ય રીતે બન્ને કિડની સંપૂર્ણ બગડી જાય ત્યારે પહેલા ડાયાલિસિસ દ્વારા સારવાર શરુ કરવામાં આવે છે. પછી કિડની ટ્રાન્સપ્લાન્ટેશન માટે સલાહ આપવામાં આવે છે. પરંતુ જો કિડની ટ્રાન્સપ્લાન્ટેશન ડાયાલિસિસની જરૂર પડે તે પહેલાના જ તબક્કામાં કરવામાં આવે તો તેને વહેલાસર કિડની ટ્રાન્સપ્લાન્ટેશન કહેવાય છે. જે દર્દીઓમાં શક્ય હોય તેવા દર્દીઓ માટે આ પ્રકારનું કિડની ટ્રાન્સપ્લાન્ટેશન સારવારનો સૌથી શ્રેષ્ઠ ઉપાય ગણવામાં આવે છે. ડાયાલિસિસ બાદ કિડની ટ્રાન્સપ્લાન્ટેશનની સરખામણીમાં આ પ્રકારના કિડની ટ્રાન્સપ્લાન્ટેશનના મુખ્ય ફાયદાઓ એ છે કે ઓછો ખર્ચ, ઓછુ જોખમ, ડાયાલિસિસની હાલાકીથી બચવા અને કિડની બદલ્યા બાદ નવી કિડનીની વધુ લાંબી અને સારી કાર્યક્ષમતા રહે છે.

કિડની ટ્રાન્સપ્લાન્ટેશન ઓપેરેશન પહેલાની દર્દીની તપાસ

ઓપેરેશન પહેલા કિડની ફેલ્યરના દર્દીની અનેક પ્રકારની શારીરિક તપાસ કરવામાં આવે છે. આ તપાસનો હેતુ દર્દીને ઓપેરશનમાં વિઘ્નરૂપ થાય તેવા રોગ નથી અને તેનું શરીર ઓપેરશન માટે તૈયાર છે તેની ખાતરી કરવાનો હોય છે. કિડની દાન સલામત છે.

કિડની ટ્રાન્સપ્લાન્ટેશન ઓપેરેશનમાં શું કરવામાં આવે છે ?

ઓપરેશન પહેલા કિડની ફેલ્યરના દર્દીની અનેક પ્રકારની શારીરિક તપાસ કરવામાં આવે છે. આ તપાસનો હેતુ દર્દીને ઓપરેશનમાં મુશકેલી ઉભી કરે તેવા કોઈ રોગ નથી અને તેનું શરીર ઓપરેશન માટે તૈયાર છે. તેની ખાત્રી કરવાનો હોય છે. આગળ જણાવ્યું તેમ બ્લડગ્રૂપ મેળવી HLA સામ્યતાનું પ્રમાણ સંતોષકારક છે તેની ખાતરી કરી ટ્રાન્સપ્લાન્ટ ઓપરેશન કરવામાં આવે છે. ઓપરેશન પહેલા દર્દીના સગાની તથા દાતાની સમંતિ મેળવવામાં આવે છે. કિડની ટ્રાન્સપ્લાન્ટેશનનું ઓપેરશન એક ટીમવર્ક છે. યુરોલોજીસ્ટ (કિડની સર્જન), નેફ્રોલોજીસ્ટ (કિડનીના ફીઝીશ્યન), પેથોલોજીસ્ટ અને અન્ય તાલીમ પામેલા મદદનીશોના સંયુક્ત પ્રયાસથી આ ઓપરેશન થાય છે. દર્દી અને દાતાનું ઓપરેશન સાથે સાથે જ થાય છે. ઓપરેશન સામાન્ય રીતે 3થી4 કલાક ચાલે છે. જે જનરલ એનેસસ્થેસીયા આપીને કરવામાં આવે છે. દાતાના શરીરમાંથી ઓપરેશન દ્વારા કિડની કાઢી લઇ તેને ખાસ પ્રકારના ઠંડા પ્રવાહીથી સંપૂર્ણ રીતે સાફ કરી દર્દીના પેટમાં આગળની બાજુએ નીચેના ભાગમાં બેસાડવામાં આવે છે. સામાન્ય રીતે દર્દીની બગડી ગયેલી કિડની કાઢી નાખવામાં આવતી નથી સિવાય કે તેનાથી શરીરને નુકશાન પહોચે તેમ હોય છે. જયારે કિડની જીવિત દાતા પાસેથી મેળવવામાં આવે છે ત્યારે કિડની બદલવાનું ઓપરેશન પૂરું થાય પછી તરત કિડની કાર્યરત થઇ જાય છે.

કિડની મેળવનાર દર્દીએ જ્યાં સુધી ટ્રાન્સપ્લાન્ટેડ કિડની કાર્યરત થાય ત્યા સુધી નિયમિત ડાયાલિસિસ કરાવવું જરૂરી

પરંતુ કેડેવર દાતામાંથી મેળવેલ કિડનીને કાર્યરત થતાં દિવસોથી થોડા અઠવાડિયાનો સમય લાગી શકે છે. કિડની મેળવનાર દર્દીએ જ્યાં સુધી ટ્રાન્સપ્લાન્ટેડ કિડની કાર્યરત થાય ત્યા સુધી નિયમિત ડાયાલિસિસ કરાવવું જરૂરી હોય છે. ઓપરેશન બાદની કાળજી અને સારવારનું કાર્ય નેફ્રોજીસ્ટ સંભાળે છે. કિડની ટ્રાન્સપ્લાન્ટેશનમાં જૂની કિડની યથાવત રાખી નવી કિડની પેટમાં આગળ તરફ નીચેના ભાગમાં મૂકવામાં આવે છે.

કિડની ટ્રાન્સપ્લાન્ટેશન બાદ આ માહિતીઓ જાણવી જરૂરી છે

કિડની ટ્રાન્સપ્લાન્ટેશન બાદ સંભાવિત જોખમોમાં રીજેક્શન, ચેપ, દવાની આડઅસર અને ઓપરેશન સંબંધિત જોખમોનો સમાવેશ થાય છે. ટ્રાન્સપ્લાન્ટેશન બાદ મુખ્ય સૂચનો જે ધ્યાનમાં રાખવા જરૂરી છે. ટ્રાન્સપ્લાન્ટેડ એટલે કે નવી કિડની યોગ્ય કાર્ય કરે તે માટે દવા દ્વારા સારવાર કરાવી જોઈએ. દવા દ્વારા સારવાર અને કિડની રીજેકશન સામાન્ય રીતે અન્ય ઓપરેશનો બાદ દર્દીએ માત્ર 7થી10 દિવસ જ દવા લેવી પડે છે. બીજા ઓપરેશનની જેમ કિડની ટ્રાન્સપ્લાન્ટેશનનું ઓપરેશન સફળ થઇ જાય એટલે કામ પતી જતું નથી. કિડની ટ્રાન્સપ્લાન્ટેશન બાદ કિડની રીજેકશન અટકાવવા હમેશા માટે આજીવન દવા લેવી અને યોગ્ય કાળજી રાખવી જરૂરી છે.

કિડની રીજેકશન એટલે શું ?

આપણા શરીરની રોગ પ્રતિકારક શક્તિ એ પ્રકારની હોય છે કે તે શરીર બહારના અન્ય જીવાણું જેમ કે બેક્ટેરિયા અથવા વાઇરસ જે શરીરને નુકસાની પહોચાડી શકે તેનો નાશ કરે છે. દર્દીના લોહીમાંના શ્વેતકણોમાંના રોગ પ્રતિકારક પદાર્થો આ નવી બેસાડેલી કિડનીને શરીરની બહારની પારકી ગણી તેની સામે લડી, તેને નકામી બનાવી દે તેવી શક્યતા રહે છે, જેને તબીબી ભાષામાં કિડની રીજેકશન કહેવામાં આવે છે. કિડની ટ્રાન્સપ્લાન્ટેશન બાદના મુખ્ય જોખમો કિડની રીજેકશન, ચેપ અને દવાની આડ અસર છે.

કિડની રીજેકશન ક્યારે થઈ શકે અને તેને કારણે શું તકલીફ થાય ?

કિડની રીજેકશન ટ્રાન્સપ્લાન્ટેશનના ઓપરેશન બાદ ગમે ત્યારે કિડની રીજેક્શન થઈ શકે પરંતુ પહેલા 6 મહીનામાં થવાની શક્યતા વધુ હોય છે. કિડની રીજેકશનની તીવ્રતા દરેક દર્દીમાં અલગ અલગ હોય છે. કિડની રીજેકશનનો પ્રશ્ન હળવો હોય ત્યારે લોહીની તપાસમાં ક્રિએટીનીનનો વધારો થોડો જોવા મળે છે. જયારે અતિભારે રીજેકશનને કારણે નવી કિડની સંપૂર્ણ બગડી જાય તેવું પણ બની શકે છે.

11 માર્ચના દિવસને વર્લ્ડ કિડની દિવસ તરીકે ઉજવવામાં આવે છે
Last Updated : Mar 10, 2021, 9:58 PM IST

ABOUT THE AUTHOR

...view details