અમદાવાદઃ અમદાવાદમાં કોરોનાના કેસો દિવસે ને દિવસે વધી રહ્યાં છે ત્યારે સરકારી હોસ્પિટલો પણ હવે ભરાવા લાગી છે અને લોકોને ખબર નથી હોતી કે કઈ ખાનગી હોસ્પિટલમાં જગ્યા છે અને ક્યાં નથી. તેના પગલે અમદાવાદ હોસ્પિટલ એન્ડ નર્સિંગ હોમ એસોસિએશન (AHNS)ની વેબસાઈટ પર મ્યૂનિસિપલ કોર્પોરેશન દ્વારા ખાનગી હોસ્પિટલ સાથે કરેલા MOUમાં કઇ હોસ્પિટલમાં કેટલા બેડ ખાલી છે અને કેટલા ભરેલાં તેની જાણ લોકોને થાય તે માટે ઓનલાઇન માહિતી આપવા મ્યુનિસિપલ કમિશનરે આદેશ આપતાં બેડની યાદી મુકવામાં આવી છે.
ખાનગી હોસ્પિટલમાં હજી 2420 બેડ ખાલી છેઃ અમદાવાદ હોસ્પિટલ એન્ડ નર્સિંગ હોમ એસોસિએશન
કોરોના મહામારીમાં વધી રહેલાં દર્દીઓને લઇને સરકારી હોસ્પિટલોમાં પથારીઓ ખૂટી પડવાની નોબત આવી ગઈ છે. ત્યારે આ મહત્ત્વની વાત બહાર આવી છે. અમદાવાદ હોસ્પિટલ એન્ડ નર્સિંગ હોમ એસોસિએશન દ્વારા સામે આવેલી માહિતી મુજબ ખાનગી હોસ્પિટલોમાં હજુ 2942 બેડ ખાલી પડ્યાં છે.
યાદી મુજબ ખાનગી હોસ્પિટલમાં 2942 જેટલા બેડની વ્યવસ્થા છે. 522 જેટલા ખાનગી દર્દીઓ દાખલ છે. જેમાં 2420 બેડ હજુ ખાલી છે. એસવીપી કે સરકારી હોસ્પિટલ દર્દીને ખાનગી હોસ્પિટલમાં રિફર કરે પછી ઘણાં કિસ્સામાં તેમને કઈ હોસ્પિટલમાં કેટલી જગ્યા છે તેની જાણ હોતી નથી. જેના પગલે મ્યુનિ. કમિશનરે આ પરિપત્ર કર્યો હતો.
મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 42 ખાનગી હોસ્પિટલની જાહેરાત કરવામાં આવી છે. જેમાં 36 હોસ્પિટલ સાથે AMCએ MOU કરેલાં છે. 2 હોસ્પિટલ MOU વગર દર્દીને સારવાર આપે છે. જ્યારે 4 હોસ્પિટલ જે હાલમાં કાર્યરત નથી. જેથી હાલમાં 38 ખાનગી હોસ્પિટલ જ કોરોનાની સારવાર આપી રહી છે. યાદીમાં અલગઅલગ કેટેગરીમાં કેટલા લોકો સારવાર લઇ રહ્યાં છે. ICUમાં વેન્ટિલેટર પર અને વગર વેન્ટિલેટર પર તેમ જ ખાનગી દર્દીઓ કેટલાં છે તેની વિગત મુકવામાં આવી છે.