ગુજરાત

gujarat

ETV Bharat / state

ગરમીમાં ભડકે બળ્યું ગુજરાત, અમદાવાદમાં પારો 43.8 ડિગ્રી

અમદાવાદઃ રાજ્યભરમાં ગરમીનો પ્રકોપ યથાવત છે ત્યારે અસહ્ય ગરમીને કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. અમદાવાદ સહિત રાજ્યના તમામ જિલ્લાઓમાં ગરમીનો પારો સતત વધવાને કારણે શહેરના રસ્તાઓ સૂના થઇ ગયા છે અને હવામાન વિભાગ દ્વારા પણ હીટ વેવની આગાહી કરવામાં આવી છે.

ગરમીમાં ભડકે બળ્યું ગુજરાત, અમદાવાદમાં પારો 43.8 ડિગ્રી

By

Published : May 28, 2019, 10:37 PM IST

મે મહિનાના અંતિમ દિવસોમાં ગરમીએ પોતાનો પ્રકોપ બતાવ્યો છે, છેલ્લા એક અઠવાડિયાથી સતત તમામ શહેરોમાં ગરમીનો પારો વધ્યો છે. જેના કારણે તાપમાન 44 ડિગ્રી સુધી પહોંચ્યું છે. અમદાવાદ શહેરનું મહત્તમ તાપમાન 43.8 ડિગ્રી નોંધાતા લોકોને કાળઝાળ ગરમી સહન કરવાનો વખત આવ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લાનું તાપમાન 43.9 ડિગ્રી નોંધાતા રાજ્યનું સૌથી ગરમ શહેર નોંધાયું હતું.અન્ય શહેરોની વાત કરવામાં આવે તો ગાંધીનગર 43.6 ડિગ્રી, રાજકોટ 43.3 ડિગ્રી, ડીસા 43 ડિગ્રી ,વલ્લભવિદ્યાનગર 42.5 ડિગ્રી, વડોદરા 42 ડિગ્રી ,ભૂજ 41.1 ડિગ્રી, ભાવનગર 39.5 ડિગ્રી અને સુરત શહેરનું તાપમાન 36.6 ડીગ્રી નોંધાયું હતું.

હવામાન વિભાગ દ્વારા આગામી 2 થી 3 દિવસો દરમિયાન સૌરાષ્ટ્ર, કચ્છ, અમરેલી, સુરેન્દ્રનગર સહિતના ઉત્તર ગુજરાતના શહેરોમાં હીટ વેવની આગાહી કરવામાં આવી છે, તથા કારણ વિના બપોરના સમયમાં ગરમીમાં બહાર ન નીકળવા લોકોને સલાહ આપવામાં આવી છે. ચૂંટણીના ગરમા-ગરમ પરિણામો બાદ ગરમીએ પણ પોતાનો પ્રકોપ બતાવ્યો છે અને અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો ઊંચો પહોંચ્યો છે ત્યારે આગામી 2 દિવસોમાં આજ સ્થિતિ યથાવત રહેશે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details