અરજદારની રજૂઆત છે કે તેની ઉંમર 29 વર્ષ છે અને તેણે 24 વર્ષની યુવતી સાથે ગત 17મી જાન્યુઆરીના રોજ લગ્ન કર્યા હતા અને સહજીવન શરુ કર્યુ હતું. યુવતીના પરિવારજનો આ લગ્નને સ્વીકારવા તૈયાર ન હોવાથી તેમણે દંપતીને ધમકીઓ આપવાનું શરુ કર્યુ હતું. જેથી દંપતીએ હાઇકોર્ટના સિંગલ જજ સમક્ષ પોલીસ રક્ષણ માટે અરજી કરી હતી અને 1 મેથી તેમને પોલીસ રક્ષણ આપવામાં આવ્યું હતું. 10મી મેના રોજ યુવતીના પરિવારજનો યુવતીને બળજબરીથી તેની સાથે લઇ ગયા હતા અને અરજદારને ધમકી આપવામાં આવી હતી કે તે તેની પત્નીને ભૂલી જાય. અરદારનો આક્ષેપ છે કે, તેણે 10મી મેના રોજ તાત્કાલિક પોલીસ સ્ટેશનમાં જઇ ફરિયાદ નોંધાવવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ પોલીસે ફરિયાદ નોંધી નહોતી. તેથી 22મી મેના રોજ તેણે રજીસ્ટર્જ પોસ્ટથી ફરિયાદ મોકલી હતી અને 27મી મેના રોજ વિગતવાર ફરિયાદ નોંધવામાં આવી હતી.
છુટાછેડા બાદ પત્નીને પરત મેળવવા પતિએ હાઇકોર્ટમાં કરી અરજી - ahd
અમદાવાદઃ નવવિવાહિત પત્નીને પરત મેળવવા પતિએ ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી છે. પાટણ જિલ્લાના અરજદાર પતિને આક્ષેપ છે કે, પત્નીના પરિવારજનોએ દબાણપૂર્વક છૂટાછેડા વગર તેના બીજા લગ્ન કરાવ્યા છે. ઉલ્લેખનીય છે કે આ દંપતીએ થોડા દિવસો પહેલાં પોલીસ રક્ષણ માટે ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી હતી અને 1 મેના રોજ તેમને પોલીસ રક્ષણ આપવામાં આવ્યું હતું. અરજદારની માંગણી છે કે, તેની પત્નીને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવે જેથી તે તેનો નિર્ણય સ્પષ્ટ કરી શકે.
આ દરમિયાન પોલીસે અરજદારને બોલાવી યુવતીનું નિવેદન ધરાવતો એક પત્ર આપ્યો હતો. જેમાં યુવતીએ કહ્યું હતું કે તેણે અરજદાર સાથે છૂટાછેડા લીધા છે. ત્યારબાદ માતાપિતાની સંમતિથી બીજી જગ્યાએ લગ્ન કર્યા છે અને સુખી જીવન જીવી રહી છે. આ નિર્ણય તેણે કોઈ દબાણમાં લીધો નથી. આ પત્રનો હવાલો આપી પોલીસે અરજદારને કહ્યું હતું કે યુવતીએ તેનું વલણ સ્પષ્ટ કર્યુ હોવાથી આ કેસમાં વધુ તપાસનું કોઇ કારણ રહેતું નથી.
હાઇકોર્ટે અરજદારની રજૂઆત સાંભળી પોલીસ અને પ્રતિવાદીઓને નોટિસ પાઠવી છે. આ ઉપરાંત યુવતીના પત્ર અંગેનો પોલીસ અહેવાલ અને તેણે છૂટાછેડા લીધા છે કે નહીં તે અંગેના દસ્તાવેજો રજૂ કરવા આદેશ આપ્યો છે. કેસની વધુ સુનાવણી 13મી જૂનના રોજ હાથ ધરાશે.