અમદાવાદઃ પોલીસ ગ્રેડ પેનો મુદ્દો છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં એક સંવેદનશીલ બની રહ્યો છે. ગ્રેડ પે મામલે પોલીસની ધીરજ (Gujarat Police)હવે ચરમસીમા પર છે. અનેક વખત માગ કરવા છતાં પણ સરકાર પાસે માત્ર એક જ જવાબ છે કે ગ્રેડ પે અંગે ટૂંક સમયમાં જાહેરાત કરશે. ગુજરાત પોલીસના જવાનોએ ગ્રેડ પે વધારવા બાબતે ગાંધીનગર સત્યાગ્રહ છાવણી અને ત્યારબાદ સમગ્ર તમામ જિલ્લાઓમાં પોલીસના ગ્રેડ પે વધારાના બાબતે આંદોલન કર્યું હતું.
પોલીસ ગ્રેડ પે પર લટકતી તલવાર -સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે રાજ્ય સરકારને પોલીસ આંદોલનને ઠારવા( PSI grade pay in Gujarat )માટે જે કમિટી તૈયાર કરવામાં આવી હતી. તે કમિટીએ રાજ્ય સરકારને રિપોર્ટ સુપરત કર્યો છે. જેમાં અમુક માંગ સ્વીકારવાની ટિપ્પણી પણ કરવામાં આવી છે, પરંતુ ગ્રેડ પેની (Police Grade Pay)માંગ સ્વીકારવામાં આવશે નહીં. તેની સામે પોલીસ કર્મચારીઓનો પગાર વધુ મળે, તેને ધ્યાનમાં લઈને પોલીસ કર્મચારીઓના એલાઉન્સમાં ખાસ્સો વધારો કરવામાં આવશે.
આ પણ વાંચોઃHarsh Sanghvi Statement : ગ્રેડ પે મુદ્દે અમુક લોકો રાજનીતિ કરે છે, સરકાર સારો નિર્ણય કરશે
અવારનવાર રજૂઆતો થતી રહી -રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે ચોવીસ કલાક કાર્યરત રહેતા ડિસિપ્લિન્ડ ફોર્સ એવા પોલીસદળના હથિયારી, બિન હથિયારી, ફિલ્ડ અને પોલીસ સ્ટેશન, એસઆરપી જેવા સંવર્ગના વિવિધ કર્મચારીઓના પગાર અને ભથ્થાંમાં લાંબા સમયથી વિસંગતતાને લઇને અવારનવાર રજૂઆતો થતી રહી છે. જ્યારે પણ ગ્રેડ પે બાબતે સરકારને પૂછવામાં આવે ત્યારે તેમના દ્વારા એક જ નિવેદન સામે આવે છે કે સરકાર આ બાબતે પ્રયત્નશીલ છે અને ટૂંક સમયમાં નિર્ણય કરવામાં આવશે, પોલીસ કર્મચારીઓમાં આખરે આ ટૂંક સમયની વ્યાખ્યા શું છે એ ચર્ચા ચાલી રહી છે.
આ પણ વાંચોઃPolice Grade pay નો મુદ્દો અમારા ધ્યાનમાં છે, ચર્ચા બાદ નિર્ણય લેવાશે : HM Harsh Sanghvi
કેમ નહીં મળી શકે ગ્રેડ પે - ગુજરાત પોલીસના જવાનોએ ગ્રેડ પે વધારવાની માંગ કરવામાં આવી છે. આંદોલન પણ કર્યું હતું ત્યારે રાજ્ય સરકારે કમિટીનું ગઠન કરીને પોલીસના પડતર પ્રશ્નોનું નિરાકરણ આવે તે માટે પોઝિટિવ વલણ રાખ્યું હતું. ગુજરાતમાં પોલીસ સહિતની કુલ 10 જેટલી એવી કેડર છે. જેની ગ્રેડ પે ઓછો છે અને જો પોલીસનો ગ્રેડ પે વધારવામાં આવે તો આવનારા દિવસોમાં સરકારી શિક્ષકો, તલાટીઓ, આંકડાકીય મદદનીશ અધિકારીઓ, ક્લાર્ક, ઉર્જા વિભાગ, વન વિભાગના કર્મચારીઓ(Forest Department employees) ઉપરાંત રાજ્ય સરકારમાં જે કર્મચારીઓને ઓછા ગ્રેડ પે છે. તે તમામ કર્મચારીઓને ગ્રેડ પે વધારવા પડે અને આવી કુલ 10 જેટલી કેડર થાય છે. આ કારણે પણ પોલીસની ગ્રેડ પેમાં વધારો પ્રાપ્ત નહીં થઈ શકે.
ક્યારે અને કેવી જાહેરાત થઈ શકે છે -ગુજરાત પોલીસ અને SRPના જવાનનોનું ગ્રેડ પે(Grade Pay of SRP jawans) વધારા સાથે અન્ય પણ કેટલીક માંગણી રજૂઆત કરવામાં આવી હતી. ગ્રેડ પે બાદ કરતા અમુક રજૂઆત રાજ્ય સરકાર દ્વારા સ્વીકારી શકાય છે. જેમાં 7થી 10 જેટલી રજૂઆત રાજ્ય સરકાર દ્વારા સ્વીકારવામાં આવશે. સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે રાજયના પોલીસ કર્મચારીઓને આર્થિક સુધારો થાય તેવી જાહેરાત થઇ શકે છે. જ્યારે પોલીસ એસોસિએશન બનાવવા પર પણ સરકાર કડક વલણ દાખવી શકે છે. આ તમામ જાહેરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં રાજ્ય સરકાર સત્તાવાર રીતે જાહેરાત પણ કરી શકે છે.