અમદાવાદ : વર્ષ 2017માં ભાજપના કોર્પોરેટર પરેશ પટેલના ઘરમાં તોડફોડ કરવાના કેસમાં કોર્ટ દ્વારા હાર્દિક પટેલને જામીન આપવામાં આવ્યા છે. નોંધનીય છે કે અગાઉ મેટ્રો કોર્ટે હાર્દિકને આ કેસમાં જામીન ન આપતા સીટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી.
રામોલ કેસ: કોર્ટે હાર્દિક પટેલના જામીન મંજૂર કર્યા - પોલીસ
રામોલ વિસ્તારમાં કોર્પોરેટરના ઘરે તોડફોડ કરવાના 3 વર્ષ જૂના કેસમાં સોમવારે અમદાવાદ સીટી-સિવિલ એન્ડ સેશન્સ કોર્ટે કોંગ્રેસના નેતા હાર્દિક પટેલના જામીન મંજૂર કર્યા છે. મોરબીમાં પોલીસે 20મી માર્ચના રોજ હાર્દિક પટેલની ધરપકડ કરી હતી.
મોરબી પોલીસ દ્વારા હાર્દિકની કરાયેલી ધરપકડ બાદ તેને ટંકારા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો જ્યાં રામોલ પોલીસે અન્ય એક ગુનામાં તેની કોર્ટ પરિસરમાંથી જ ધરપકડ કરી હતી. અગાઉ મોરબીની ટંકારા કોર્ટે હાર્દિક પટેલ વિરુદ્ધ બિન-જામીનપાત્ર વોરન્ટ ઈશ્યૂ કર્યું હતું.
2017માં રામોલના સ્થાનિક કોર્પોરેટરના ઘરે તોડફોડ કરવાના કેસમાં મેટ્રો કોર્ટમાં કેસની ટ્રાયલ દરમિયાન વારંવાર હાર્દિક હાજર નહીં રહેતા તેની વિરુદ્ધ કોર્ટ દ્વારા બિન-જામીનપાત્ર વોરન્ટ ઈશ્યૂ કરવામાં આવ્યું હતું. હાર્દિક પટેલની ધરપકડ બાદ અન્ય એક કેસમાં ટંકારા કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો, ત્યારબાદ રામોલ પોલીસ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી. રામોલ પોલીસે હાર્દિકની ધરપકડ કરી મેટ્રો કોર્ટમાં રજૂ કર્યો હતો જ્યાં તેના જામીન ના-મંજૂર કરવામાં આવ્યા હતા.
નોંધનીય છે કે, 2015 GMDC વસ્ત્રાપુર કેસમાં હાર્દિક પટેલની આગોતરા જામીન અરજી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે. હાર્દિક અગાઉ રાજદ્રોહ કેસની ટ્રાયલમાં પણ વારંવાર ગેરહાજર રહેતા અમદાવાદ સેશન્સ કોર્ટ દ્વારા તેની વિરુદ્ધ બિન-જામીનપાત્ર વોરન્ટ ઈશ્યૂ કરવામાં આવ્યું હતું અને ત્યાર બાદ આ કેસમાં ધરપકડ બાદ જામીન આપવામાં આવ્યા હતા. જોકે ત્યાંથી સિદ્ધપુર પોલીસ દ્વારા અન્ય એક કેસમાં તેની ધરપકડ કરાઈ હતી.