જીજ્ઞેશ મેવાણીના વકીલ આનંદ યાજ્ઞિકે રજૂઆત કરી હતી કે, વલસાડની શાળા દ્વારા અનેક વાર વાયરલ વીડિયો અંગે અરજી કરી હોવા છતાં પોલીસે ફરિયાદ દાખલ કરી નથી. જ્યારે મેવાણી ધારાસભ્ય હોવાથી તેમની વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરાવામાં આવી છે. જીજ્ઞેશ મેવાણીએ દુઃખ વ્યકત કરતો વીડિયો ટ્વીટર પર શેયર કર્યો હતો. તેમાં બદનક્ષી જણાઈ આવતી નથી અને મેવાણીને વીડિયો સિરિયાનો હોવાની જાણ થતાં આ અંગે સતાવાર રીતે ટ્વિટ કરી ખુલાસો આપી 24 કલાકમાં વિવાદાસ્પદ ટ્વિટ ડિલિટ કરી દેવામાં આવ્યું હતું. જેનો પોલીસ ફરિયાદમાં સમાવેશ કરવામાં આવ્યો નથી.
પોલીસ ફરિયાદના ભાગરૂપે તપાસમાં સહયોગ આપવા મેવાણીને પોલીસ દ્વારા સમન્સ પાઠવામાં આવ્યું છે. હાલ વિધાનસભામાં સત્ર ચાલતું હોવાથી મેવાણી હાજર થઈ શકશે નહીં એવી રજુઆત કરવામાં આવી હતી.
જીગ્નેશ મેવાણની રજૂઆત હતી કે, 20 મેના રોજ રાત્રે બાર કલાકે એક વીડિયો તેમના સત્તાવાર ટ્વીટર એકાઉન્ટ પરથી ટ્વિટ કર્યો હતો. વીડિયોમાં શિક્ષક વિદ્યાર્થીને બેરહેમીથી મારી રહ્યા હોય તેવું દર્શાવવામાં આવ્યું હતું. ટ્વિટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ટેગ કરી આ મુદ્દા અંગે ધ્યાન દોર્યુ હતું. થોડા સમય બાદ આ વીડિયોના સાતત્ય અંગે ટ્વીટર અને સોશિયલ મીડિયા પર પ્રશ્નો ઉઠતા ફરી અરજદારે રાત્રે એક કલાકે ટ્વીટ કરી પ્રશ્ન પૂછ્યો હતો કે, આ વીડિયો ભારતનો છે કે ઇજીપ્તનો તેના અંગે કોઈને ખબર હોયતો માહિતગાર કરે. ત્યારબાદ સવારે 11 કલાકે અરજદારે દિલગીરી દર્શાવતું ટ્વિટ કર્યુ હતું કે, તેણે લાગણીવશ થઇને આ ટ્વિટ કર્યુ હતું. વીડિયો ભારત કે ઇજીપ્ત નહીં પરંતુ સીરિયાની એક શાળાનો છે.