અમદાવાદ:સ્ટેટ સાયબર સેલ સીઆઇડી ક્રાઈમ દ્વારા સત્તાવાર બહાર પાડવામાં આવેલા નિવેદન મુજબ અલગ અલગ લોકોને આ પ્રકારે બચાવી લેવામાં આવ્યા છે, જેમાં જંબુસર તાલુકાના ભરૂચ જિલ્લાનો એક યુવકે આત્મહત્યા કરતો હોય તેવી પોસ્ટ ઈન્સ્ટાગ્રામમાં મૂકી હતી. જે બાબતે ઈન્સ્ટાગ્રામ દ્વારા સાયબર ક્રાઇમ સેલના એન્ટી બુલિંગ યુનિટને ઈનપુટ આપવામાં આવતા તપાસ કરતા તે વ્યક્તિ ભરૂચ જિલ્લાનો હોય તાત્કાલિક પોલીસ અધિક્ષકને વિગતો મોકલવામાં આવતા અને પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરવામાં આવતા પોલીસ દ્વારા તાત્કાલિક પોસ્ટ મુકનાર યુવકનો સંપર્ક કરતા તેણે પ્રેમ પ્રકરણમાં ઝેરી દવા પીધી હોવાનું જણાતાં વેડજ પોલીસ દ્વારા તાત્કાલિક સરકારી ગાડીમાં તેને સારવાર માટે મોકલી દેતા તેને સમયસર સારવાર મળતા જીવ બચાવી લેવાયો હતો.
આત્મહત્યા કરતા બચાવ્યો:તેવી જ રીતે સાબરકાંઠા જિલ્લાનો એક યુવક પોતાની ગામની એક છોકરી સાથે એક તરફી પ્રેમમાં હોય, જે છોકરી બીજા કોઈ સાથે બોલતી હોય તેવા ફોટા તે યુવકને મોકલ્યા હતા. જેના કારણે યુવકને મનદુઃખ થતા પોતે આત્મહત્યા કરવા જતો હોય તેવી સ્ટોરી ફેસબુકમાં મૂકી હતી. જે ઇનપુટ ફેસબુક તરફથી સ્ટેટ સાયબર સેલને મળતા તાત્કાલિક સાબરકાંઠા જિલ્લા પોલીસને જાણ કરવામાં આવી હતી અને કંટ્રોલરૂમને જાણ કરતા સાબરકાંઠા જિલ્લા પોલીસે તપાસ કરતા તે યુવક ગીરગઢડા ખાતે એક ડોક્ટરને ત્યાં રસોઈનું કામ કરતો હોવાનું સામે આવતા તાત્કાલિક ગીર સોમનાથ જિલ્લા કંટ્રોલ રૂમમાં વર્ધી લખાવી હતી. જેથી તે વ્યક્તિને શોધી તેનું કાઉન્સેલિંગ કરીને આત્મહત્યા કરતા બચાવ્યો હતો.