અમદાવાદ: યુપી હાથરસના બનાવમાં યોગી સરકારના અન્યાય અને ભેદભાવ વલણને લઈને દેશમાં ઠેર ઠેર વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. તેના પડઘા ગુજરાતમાં પણ પડ્યા છે. જેને લઈને દલિત શક્તિ કેન્દ્રના માર્ટિન મેકવાન અને સ્થાનિક દલિત સંગઠનો દ્વારા ગુજરાતના 500 ગામોમાં એક સાથે પ્રેરણા સભા યોજવાનું આયોજન કરવામાં આવ્યું હતુ.
જેના ભાગરૂપે માંડલ, વિરમગામ, દેત્રોજના જુદા જુદા ગામોમાં ડૉ.બાબા સાહેબ આંબેડકર દ્વારા 14 ઓક્ટોમ્બર 1956માં બૌદ્ધ ધર્મ અંગીકાર કરેલ હોય તેથી આ દિવસે તા. 14/10/2020 ના રોજ એક સાથે અનેક ગામોમાં સાંજે "પ્રેરણા સભા" યોજીને યુપીની હાથરસની ઘટનાને વખોડી કાઢવામાં આવી હતી. તેમજ ભોગ બેનલી યુવતીનું નામ ભીમ કન્યા જાહેર કરવામાં આવ્યું હતું. તેના પ્રતીકાત્મક ફોટા ઉપર પીઠીનો ચાંદલો કરીને તેની અંતિમ ઈચ્છા પૂરી કરી મોટી સંખ્યામાં યુવાનો, બહેનો, દીકરીઓએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ સમગ્ર ઘટનામાં ન્યાયની માંગણી કરવાનું આયોજન કરવા અંગે માંડલ મુકામે મિટિંગનું આયોજન થયેલ હતું. જેમાં અગ્રણીઓ કિરીટ રાઠોડ, ઈશ્વરભાઈ પરમાર, મિતવર્ધન, ભાવિન સિરેસિયા, નવઘણ પરમાર, મુકેશભાઈ સહિતના લોકો જોડાયા હતા.