સિદ્ધપુરમાં રક્ષાબંધનની સાચા અર્થમાં ઉજવણી અમદાવાદ : આવતીકાલે રક્ષાબંધનનો તહેવાર ઉજવવામાં આવશે. રક્ષાબંધનના તહેવારને ભાઈ અને બહેનના પ્રેમના પ્રતીક તરીકે જોવામાં આવે છે. બહેન ભાઈની રક્ષા માટે રક્ષા રૂપી રાખડી બાંધે છે. ત્યારે એક બહેને તેના ભાઈનો સાચે જીવ બચાવ્યો હોવાનો પ્રેરણાદાયી કિસ્સો સામે આવ્યો છે. સિદ્ધપુરમાં રહેતા દીપ્તેશ રાવલની 2019 માં કિડની ફેલ થતા બહેન તિથિ વોરાએ કિડની દાન આપીને ભાઈને નવું જીવનદાન આપ્યું છે.
બંને કિડની ફેઈલ : દિપ્તેશ રાવલે જણાવ્યું હતું કે, હું સિદ્ધપુરમાં એક સામાન્ય પરિવારમાં રહુ છું. હું વ્યવસાયમાં એક સ્ટેશનરીની દુકાન ચલાવતો હતો. મને કોઈ પણ જાતની બીમારી નહોતી. કિડની ખરાબ થાય તો હાથ-પગમાં સોજા આવવા અને વારંવાર બીમાર પડી જવા જેવા લક્ષણો હોય છે. 2019 માં એક સામાન્ય ઓપરેશન દરમિયાન મને આવા લક્ષણો જોવા મળ્યા હતા. બાદમાં તપાસ કરાવી ત્યારે માલુમ થયું કે મારી બંને કિડની ખરાબ થઈ ગઈ છે. તે જ સમયે મારી બહેને મને કિડની ડોનેટ કરવાનો નિર્ણય કર્યો હતો.
કિડની ડોનેટ કરવાનો નિર્ણય : દિપ્તેશ રાવલને 2019 માં કિડની ખરાબ હોવાની ખબર પડતાં દવાઓથી કંટ્રોલ રાખ્યો હતો. પરંતુ ફેબ્રુઆરી 2023 માં તેમને ડાયાલિસિસની જરૂરિયાત ઊભી થઈ હતી. ત્રણ મહિના સુધી ડાયાલિસિસ કર્યા બાદ તેમની બહેન તિથિ વોરાએ તેમને કિડની ડોનેટ કરી હતી. તેમની બહેનને જ્યારે તેમના ભાઈની કિડની ખરાબ છે તેની ખબર પડી, તરત જ તે કિડની ડોનેટ કરવા તૈયાર થઈ ગયા હતા.
નવજીવન મળ્યું : જ્યાં સુધી ડાયાલિસિસની શરૂઆત ન થાય ત્યાં સુધી કિડની ડોનેટ કરી શકાતી નથી. જેના કારણે ત્રણ વર્ષ સુધી તેઓ કિડની આપી શક્યા ન હતા. પરંતુ 2023 માં ડાયાલિસિસની શરૂઆત થતાં જ તેમને પોતાની એક કિડની આપીને ભાઈનો જીવ બચાવ્યો હતો. દીપ્તેશ રાવલનું કહેવું છે કે, મારી બહેનનો હંમેશા હું ઋણી બનીને રહીશ.
મારા માતા-પિતાના મૃત્યુ પછી મારી બહેને જ ઘરના વડીલની ભૂમિકા ભજવી છે. તમામ સુખ દુઃખમાં સાથ આપ્યો છે. જ્યારે મારા જીવનની સૌથી મુશ્કેલ પરિસ્થિતિ આવીને ઊભી હતી. ત્યારે પણ મારી બહેન જ મારી પાસે આવીને ઊભી રહી છે. તેને આજે મને નવું જીવન આપ્યું છે. આ જીવનદાનનો ઉપકાર હું ક્યારેય પણ ભૂલી શકીશ નહીં.-- દિપ્તેશ રાવલ
ભાઈ-બહેનનો પ્રેમ : આ અંગે તિથિ વોરાએ જણાવ્યું હતું કે, મારા લગ્ન થયા બાદ હું દમણ ખાતે રહેતી હતી. 2019 માં જ્યારે મારા ભાઈની બંને કિડની ખરાબ થઈ હોવાના સમાચાર મળ્યા ત્યારે જ મેં મારી એક કિડની આપવાનો વિચાર કર્યો હતો. પરંતુ ડાયાલિસિસ શરૂ થયું ન હોવાને કારણે હું મારી કિડની આપી શકું તેમ નહોતી. પરંતુ જે સમયે ડાયાલિસિસની શરૂઆત થઈ ત્યારબાદ તરત જ મારી એક કિડની મારા ભાઈને આપીને તેમનો જીવ બચાવ્યો છે. હાલ મારી પાસે એક જ કિડની છે. તેમ છતાં પણ હું નોર્મલ વ્યક્તિની જેમ તમામ કામ કોઈપણ પ્રકારની સમસ્યા વિના કરી શકું છું.
સાચી રક્ષાબંધન :તિથિ વોરાનું માનું છે કે, ભાઈ બહેનનો પ્રેમ એક અતૂટ સંબંધ હોય છે. ખાસ કરીને રક્ષાબંધનના તહેવારને ભાઈ બહેનના પ્રેમનું પ્રતીક માનવામાં આવે છે. રક્ષાબંધનના દિવસે બહેન પોતાના ભાઈની રક્ષા માટે રાખડી બાંધતી હોય છે. પરંતુ જ્યારે ભાઈ મુશ્કેલીમાં હોય અને બહેન તેની રક્ષા માટે આવે અને બહેન મુશ્કેલીમાં હોય ત્યારે ભાઈ રક્ષા માટે આવે, ત્યારે સાચી રક્ષાબંધન ઉજવી કહી શકાય છે.
- RakshaBandhan 2023: નવસારીમાં દિવ્યાંગ બાળકોએ કલાત્મક રાખડી બનાવી તેનું વેચાણ શરૂ કર્યું
- Pm Modi's Pak Sister : વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રાખડી બાંધશે તેમની પાકિસ્તાની બહેન, જાણો કેટલા વર્ષોથી જળવાયો છે નાતો